દમણમાં મોટી દમણથી લઈને જામપોર બીચ નજીકના વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા ગરીબ મધ્યમ પરિવારના મકાનો ગેરકાયદેસર હોય અને અહીં સુંદર માર્ગનું નિર્માણ કરવામાં આવનાર હોવાને કારણે દમણ પ્રશાસન દ્વારા 15 દિવસ પહેલા તમામ લોકોને નોટિસ પાઠવી હતી. જે બાદ દિવાળીનો તહેવાર આવતા મુલતવી રખાયેલ કામગીરીને વેગવંતી કરી હતી અને એક દિવસ અગાઉ તમામ મકાનોના લાઈટ કનેક્શન કાપી નાંખ્યા બાદ બીજા દિવસે લાભ પાંચમના પ્રશાસને બુલડોઝર વડે તમામ મકાનો બુલડોઝ કરવાનું શરૂ કર્યું હતું.
એક તરફ આ ગરીબ પરિવારોએ એક એક પાઇ એકઠી કરી ઘરના ઘરનું સપનું સાકાર કર્યું હતું. જેને પળભરમાં પ્રશાસનના બુલડોઝરથી તૂટતું જોઈ આંખોમાં આંસુ સાથે આક્રોશ વ્યાપ્યો હતો. સ્થાનિકોએ પોતાની હૈયાવરાળ કાઢી હતી કે જેને અમે ખોબલે ખોબલે મત આપ્યા તેમાંનો એક પણ નેતા આ કપરા સમયે અમારી ખબર લેવા ન આવ્યા અને ફોન પર વાત કરવાની પણ તસ્દી ન લીધી.
ઉલ્લેખનીય છે કે પ્રશાસને મોટી દમણ લાઈટ હાઉસથી જામપોર બીચ સુધીના કોસ્ટલ એરિયામાં કુલ 130 જેટલા મકાનો પર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન દમણ કલેકટર સહિતનો અધિકારીઓનો કાફલો અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરી ડિમોલિશનની કામગીરી આટોપી હતી.
જો કે આ સમગ્ર મામલે અધિકારીઓનો સંપર્ક કરવામાં આવતા એકપણ અધિકારીએ આ અંગે કોઈ વિગતો આપી ન હતી. પરંતુ, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મકાનો ગેરકાયદેસર હોય તેને તોડી પાડી અહીંથી બીચ માટે ખાસ માર્ગનું આયોજન કરવાનું હોય વિકાસના નામે આ મકાનો તોડી પાડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.