- હોળી-ધુળેટી પર્વ પર કોરોનાનું ગ્રહણ
- હોળીના દિવસે બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી
- કોરોના જલ્દી જાય તેવી પ્રાર્થના કરી
વલસાડ: પાછલા વર્ષના દરેક તહેવારની જેમ હોળી પર્વને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. સરકારે હોળી પ્રગટાવવા મંજૂરી આપી છે. પરંતુ હોળી-ધૂળેટીમાં કલરથી રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેને કારણે હોળીના દિવસે પણ પિચકારી, કલર, પતાસા, ધાણી-દાળિયા વેચતા વેપારીઓ-ફેરિયાઓને ત્યાં પાંખી ઘરાકી જોવા મળી હતી.
હોળીને રંગોનું પર્વ માનવામાં આવે છે
હોળીને રંગોનું પર્વ માનવામાં આવે છે. આ દિવસે દરેક નાના મોટા સૌ હોળી પ્રગટાવી તેની પ્રદક્ષિણા કરી પરિવારમાં સુખશાંતિ માટે હોળીમાતા પાસે પ્રાર્થના કરે છે. બીજા દિવસે તમામ ભેદભાવ ભૂલી એકબીજાને કલરથી રંગી તહેવારનો આનંદ માણે છે. જો કે, છેલ્લા 2 વર્ષથી હોળી જેવા અનેક તહેવારો કોરોનાના કારણે લોકો ઉજવી શક્યા નથી. આ વખતે પણ હોળી-ધુળેટીના પર્વમાં પિચકારી, કલર, પતાસા, ધાણી, દાળિયા, ખજૂર અને શ્રીફળની માંગમાં 50 ટકા સુધીનો ઘટાડો નોંધાતા કોરોનાએ વેપારીઓના નફા પર મસમોટી તરાપ મારી હોવાનું વેપારીઓએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ મથુરાઃ બરસાણામાં લાડુમાર હોળીની ઉજવણી કરાશે
કોરોનાના કારણે 2 વર્ષથી તહેવારો ઉજવી નથી શક્યા
હોળીના દિવસે પણ બજારમાં ગ્રાહકોની ભીડ ઓછી હતી. ગ્રાહકો પણ છેલ્લા 2 વર્ષથી તહેવારો ઉજવી શક્યા નથી તેનો અફસોસ કરે છે. ETV BHARAT સાથે વાત કરતા ગ્રાહકોએ જણાવ્યું હતું કે, હોળી પર્વ પર બાળકો માટે પિચકારી અને અન્ય ચીજવસ્તુઓ ખરીદવા માટે નીકળ્યા છે. પરંતુ જે પહેલા તહેવારોની ખરીદી માટે ઉત્સાહ હતો તેવો ઉત્સાહ ખરીદીમાં કે પર્વની ઉજવણી માટે રહ્યો નથી. કોરોના નામનું ગ્રહણ જલ્દી દૂર થાય અને દરેક પર્વ પહેલાની જેમ હર્ષોલ્લાસ સાથે ઉજવી શકીએ તેવી પ્રાર્થના કરવા સિવાય હાલ બીજો કોઈ ઉપાય નથી.
લોકોએ જરૂરિયાત પૂરતી તેમજ બાળકોને ખુશ રાખવા પૂરતી ખરીદી કરી
ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લાના વાપી સહિત દરેક શહેરોમાં હોળીના દિવસે ખરીદીની ધૂમ ઘરાકી નીકળે છે. લોકો અવનવી રંગબેરંગી પિચકારીઓ, રંગબેરંગી કલર ખરીદતા હોય છે. બહેનો હોળીમાતાની પૂજા માટે ખજૂર, શ્રીફળ, પતાસા સહિતની પૂજાની સામગ્રી ખરીદવા બજારમાં ઉમટી પડતી હોય છે. પરંતુ આ વખતે કોરોનામાં સરકારની ગાઈડલાઇનનને કારણે લોકો માત્ર જરૂરિયાત પૂરતી ચીજવસ્તુઓ તેમજ બાળકોને ખુશ રાખવા પૂરતી ખરીદી કરી રહ્યા છે. વેપારીઓએ પણ આ વખતે વધુ માલ મંગાવવાનું ટાળી ગયા વર્ષના માલને આ વર્ષે વેચી નફો સરભર કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ વિશ્વ પ્રસિદ્ધ લઠમાર હોળી આજે મંગળવારે મથુરા ખાતે ઉજવાશે