દમણ: દમણ પોલીસને બાતમી મળી હતી કે, ડબલ મર્ડર કેસના બે આરોપી સાજીદ મોહમ્મદ ચૌધરી ઉર્ફે સલીમ અને સુરેશ પટેલ ઉર્ફે સુખા પટેલ ચંદીગઢના સેક્ટર 48Cમાં પોતાના મિત્ર તુષાર સાથે છુપાયેલા છે. જેની શોધમાં દમણ પોલીસની એક ટીમ મોહાલી પહોંચી હતી.
દમણ પોલીસ અને આરોપીઓ ફેસ 11થી એરપોર્ટ તરફના રૂટ પર સામ-સામે આવ્યાં હતાં. પોલીસે આરોપીઓને તેમની ઓડી કાર સામે પોતાની કાર મૂકીને ઘેરી લીધા હતાં અને ગનપોઇન્ટ પર આરોપીઓને કારમાંથી બહાર આવવાની ચેતવણી આપવામાં આવી હતી. જેને પહેલા આરોપીએ ગણકારી નહોતી અને કારને લોક કરી દીધી હતી. બાદમાં તેઓ પોલીસને શરણે થયા હતાં અને પોલીસ કારમાં બેસતી વખતે એક આરોપીએ પોલીસ કર્મીના હાથમાં રહેલ રિવોલ્વર છીનવાની કોશિષ કરી હતી.
ઝાપઝપીમાં એક રાઉન્ડ ફાયરિંગ થતા આરોપી તુષારના પગમાં ગોળી વાગી હતી અને તે ઘાયલ થયો હતો. પોલીસે ઘાયલ તુષારને હોસ્પિટલમાં ભરતી કરી અન્ય આરોપી સુરેશ પટેલની ધરપકડ કરી મોહાલી પોલીસ મથકે લઈ ગઈ હતી. દમણ પોલીસે આ ડબલ મર્ડરના ભાગેડુ આરોપીના ફોનના લોકેશન પર નજર રાખી હતી અને તેઓ મોહાલીમાં હોવાની ખબર મળતા તેમના લોકેશન ટ્રેસ કરી આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી આઈફોન અને 4G ડિવાઇસ કબજે કર્યો છે. આરોપીઓ વોટ્સએપ કોલિંગથી જ વાત કરતા હતા તેવું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં ભંગારના ધંધાર્થી અજય પટેલ અને ધીરજ પટેલ પર 8થી 10 જેટલા શૂટરોએ દમણના ડાભેલ વિસ્તારમાં હુમલો કરી ફાયરિંગ કરતા મોતને ઘાટ ઉતારી દીધા હતાં. આ ઘટનામાં પોલીસ તપાસમાં સુરેશ પટેલનું નામ સામે આવ્યું હતું. જેને દમણ પોલીસ ધરપકડ કરે તે પહેલાં તે પોતાની જિલ્લા પંચાયતની ઓફિસમાંથી ફરાર થઈ ગયો હતો. બંને આરોપી સુરેશ અને સુનિલ ખૂબ કુખ્યાત આરોપી છે અને હત્યા ડબલ મર્ડર અને ખૂની હુમલાના કેસોમાં નામચીન હતાં. પોલીસે બંને આરોપીઓના માથા પર રોકડ એક લાખનું ઇનામ પણ જાહેર કર્યું હતું.