દમણ : ગત શનિવાર 7 ઓક્ટોબરે દમણની દમણગંગા નદીમાં કૂદીને આત્મહત્યા કરનાર અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હતો. જેની નાની દમણ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક વ્યક્તિની ઓળખ સુરતના કસ્ટમ સુપરિન્ટેન્ડન્ટ તરીકે થઈ છે. મોટા હોદ્દાના આ અધિકારીએ આ પગલું ક્યાં કારણોસર ભર્યું તે અંગે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દમણગંગા નદીમાંથી શનિવારે મળ્યો મૃતદેહ : દમણમાં સમુદ્ર નારાયણ મંદિર પાસેથી દરિયામાં ભળતી દમણગંગા નદીમાં શનિવારના સવારે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હતો. આ અજાણી વ્યક્તિએ નદીમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. જેની ઓળખ કરનાર નાની દમણ પોલીસે મૃતક સુરતના કસ્ટમ સુપરિન્ટેન્ડન્ટ હોવાનું તપાસમાં જાણ્યા બાદ તેમના પરિવારજનોને મૃતદેહ સોંપી આત્મહત્યા પાછળના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
હૈદરાબાદના વતની : ગુજરાતના સુરતના આનંદ એવન્યૂ, ભેસાણ રોડ, સુરત ખાતે રહેતા અને સુરત કસ્ટમ સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા મૂળ હૈદરાબાદના 51 વર્ષીય શ્રીનિવાસ મણી પટલાનો મૃતદેહ દમણમાં સમુદ્ર નારાયણ મંદિર પાસે દમણગંગા નદીમાંથી મળી આવ્યો હતો. તયારે શનિવારે આ અધિકારીએ દમણગંગા નદીમાં ઝંપલાવી અગમ્ય કારણોસર મોતને વ્હાલું કર્યું હોય તેવી સંભાવનાઓ છે.
પોલીસે તપાસ હાથ ધરતા ઓળખ થઈ : જો કે શનિવારે આ ઘટના અંગે દમણ પોલીસને જાણકારી મળતા તેઓએ અજાણ્યા વ્યક્તિના મૃતદેહ અંગે તપાસ હાથ ધરી હતી. તેમજ તેમના મૃતદેહને દમણની મરવડ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જો કે, મૃતક વ્યક્તિ કોણ છે. ક્યાંનો છે. તે અંગે દમણ પોલીસે તપાસ હાથ ધરતા વ્યક્તિની ઓળખ થઈ હતી.
પોલીસે હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો મૃતદેહ : મૃતક વ્યક્તિએ નાની દમણ જેટી નજીકના સમુદ્ર નારાયણ મંદિર પાસે આવેલી દમણગંગા નદીમાં શુક્રવારે ઝંપલાવ્યું હતું. જેનો મૃતદેહ શનિવારના રોજ સવારે મળ્યો હતો. દમણ પોલીસે ફાયર વિભાગની મદદથી મૃતદેહનો કબજો લઈ 108 મારફતે દમણની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે તે અજાણ્યા વ્યક્તિને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
સુરતમાં કસ્ટમ સુપરિન્ટેન્ડન્ટ : કારણ જાણવા પોલીસની મથામણ ઘટનાને પગલે હરકતમાં આવેલી દમણ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન મરનાર વ્યક્તિની ઓળખ શ્રીનિવાસ મણી પટલા તરીકે થઈ હતી. 51 વર્ષીય આ પુરુષ આનંદ એવન્યૂ, ભેસાણ રોડ, સુરતમાં રહેતા હતાં. મૂળ હૈદરાબાદના આ વ્યક્તિ સુરતમાં સુરતમાં કસ્ટમ સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હતાં.. તેમણે દમણ આવી કયા કારણોસર નદીમાં ઝંપલાવ્યું તે જાણવા પોલીસે કવાયત હાથ ધરી છે.
કારણ હજુ અકબંધ : ઉલ્લેખનીય છે કે કસ્ટમ સુપરિન્ટેન્ડન્ટ ભરેલા અંતિમ પગલા અંગે અનેક વિતર્કો ચાલી રહ્યા છે. જેમાં જીએસટી ઓફિસમાં ચાલતી ચર્ચા મુજબ અધિકારી છેલ્લા કેટલાક સમયથી બદલીની રાહ જોતાં હતાં. પરંતુ યોગ્ય જગ્યાએ બદલી નહીં થતાં હતાશ થઈ આ પગલું ભર્યું હોવાની શક્યતા સેવી છે.