- લોકોને સાવચેત રહેવા અપીલ કરી
- કન્ટેનમેન્ટ ઝોનના વિસ્તારનું નિરીક્ષણ કર્યું
- તાત્કાલિક રેપિડ ટેસ્ટ કરાવવાની અપીલ કરી હતી
દમણ :- કલેક્ટર રાકેશ મિન્હાશે દમણના વિવિધ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરેલા વિસ્તારની મૂલાકાત લીધી હતી. મૂલાકાત દરમિયાન કલેક્ટરે લોકોને સાવચેતી રાખવા અને સ્વાસ્થ્યવર્ધક ભોજન લેવા અપીલ કરી હતી. કલેક્ટરે કન્ટેનમેન્ટ ઝોનમાં વધુ સંક્રમણ ફેલાય છે કે કેમ તેની વિગતો પણ મેળવી હતી. દમણમાં દિવસેને દિવસે કોરોના ભયાવહ સ્થિતિ પેદા કરી રહ્યો છે. ગયા લોકડાઉનની જેમ જ હાલ દમણમાં જ્યાં જ્યાં કોરોના સંક્રમિત વ્યક્તિઓ આવી રહ્યા છે, તે વિસ્તાર કે બિલ્ડિંગને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે.
બિલ્ડિંગના રહીશોને તાત્કાલિક રેપિડ ટેસ્ટ કરાવવાની અપીલ કરી હતી
કન્ટેનમેન્ટ ઝોનની બિલ્ડિંગોમાં રહેતા અન્ય લોકો પણ પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખે તે માટે દમણ જિલ્લા કલેક્ટર રાકેશ મિન્હાશે આરોગ્ય વિભાગની ટીમ સાથે કન્ટેનમેન્ટ ઝોન જાહેર થઇ ચૂકેલી વિવિધ બિલ્ડિંગોનું સ્થળ નિરીક્ષણ હાથ ધર્યું હતું અને બિલ્ડિંગના રહીશો કે જેમને કોરોનાનો ચેપ નથી લાગ્યો તેઓને પૂર્વ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક રેપિડ ટેસ્ટ કરાવવાની અપીલ કરી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં કુલ 253 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન છે અમલમાં
કામ સિવાય ઘર બહાર નહિ નીકળવા સૂચના આપી
કલેક્ટર રાકેશ મિન્હાશે કન્ટેનમેન્ટ જાહેર થઇ ચૂકેલી બિલ્ડિંગના લોકો જરૂરી કામ કે નોકરી સિવાય બહાર જવાનું કે અન્ય લોકોના સંપર્કમાં આવવાનું ટાળે એવી અપીલ કરી હતી. આ સાથે કન્ટેનમેન્ટ વિસ્તારના લોકો જેમ બને તેમ આવશ્યક ચીજ વસ્તુઓનો સામાન હોમ ડિલિવરીથી મંગાવે, શરીરમાં ઇમ્યુનીટી વધારવા માટે જંક ફૂડનો ત્યાગ કરીને ઘરનું સ્વાસ્થ્યવર્ધક ભોજન લે તેવી સલાહ આપી હતી.