- દમણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ
- ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે મતગણતરીનો પ્રારંભ
- 3 વોર્ડમાં ભાજપ ઉમેદવાર વિજેતા
દમણ : કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં જિલ્લા પંચાયત નગરપાલિકા અને ગ્રામ પંચાયતના આઠમી નવેમ્બરે યોજાયેલ ચૂંટણી બાદ 11મી નવેમ્બરે મોટી દમણની સરકારી કોલેજમાં મત ગણતરી ચાલી રહી છે. આ મતગણતરીમાં દમણ નગરપાલિકાના બે વોર્ડમાં અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે. તો ત્રણ વોર્ડમાં ભાજપ ઉમેદવાર અને એક વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવાર વિજેતા બન્યા છે. જ્યારે જિલ્લા પંચાયતની બે સીટ માટેના ચૂંટણી જંગમાં ભાજપ ઉમેદવાર વિજેતા થયા છે.
નગરપાલિકાના 3 વોર્ડમાં ભાજપ ઉમેદવારે વિજેતા
આ ચૂંટણીમાં નગરપાલિકાના 51મા ઉમેદવારો, જિલ્લા પંચાયતના 72 ઉમેદવારો, ગ્રામ પંચાયતના 41 સરપંચ અને 199 સભ્યોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. મતગણતરીના દિવસે 11 વાગ્યા સુધીમાં થયેલા મતગણતરી માં જોઈએ તો નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 4માં અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે. વોર્ડ નંબર 3માં કોંગ્રેસ ઉમેદવાર વિજેતા બન્યા છે. જ્યારે વોર્ડ નંબર 7,8,9માં ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા છે. એ જ રીતે ગ્રામ પંચાયતની વાત કરીએ તો બે ગ્રામ પંચાયતમાં ભાજપ સમર્થિત સરપંચો વિજેતા બની ચૂક્યા છે.
મત ગણતરી સ્થળ પર ઉમેદવારો અને કાર્યકરોની ભીડ
હજુ પણ બાકીના ઉમેદવારો માટે મતગણતરી ચાલી રહી છે. મતગણતરીના સ્થળ પર ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી ચાલી રહી છે.