- એન.આર.અગ્રવાલ પેપરમિલ હવા,પાણી અને જમીનમાં મોટાપાયે પ્રદુષણ ફેલાવતી હોવાની ફરિયાદ
- કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરી ક્લોઝર નોટિસ આપવામાં આવે તેવી પુરાવા સાથેની ફરિયાદ
- સરીગામના ઇન્ચાર્જ સરપંચ પંકજ રાયની ફરિયાદ બાદ GPCBના અધિકારીઓએ તપાસ હાથ ધરી
વલસાડ : જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ-અણગામ રોડ ખાતે આવેલી એન.આર.અગ્રવાલ પેપરમિલ કંપની ઘણા સમયથી હવા, પાણી અને જમીનમાં મોટાપાયે પ્રદુષણ ફેલાવી રહી છે. ત્યારે કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરી ક્લોઝર નોટિસ આપવામાં આવે તેવી પુરાવા સાથેની ફરિયાદ કરવામાં આવી છે. સરીગામના ઇન્ચાર્જ સરપંચ પંકજ રાયની આ ફરિયાદ બાદ GPCBના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ પર્યાવરણ બાબતે બદનામ થઈ ચુકેલી આ પેપરમિલના વેસ્ટ અંગે GPCB ઉપરાંત પર્યાવરણ મંત્રાલય, NGT અને CPCBમાં પણ પંકજ રાયે ફરિયાદ કરી છે.
પેપરમિલના વેસ્ટ અંગે GPCB ઉપરાંત પર્યાવરણ મંત્રાલય, NGT અને CPCB માં પણ પંકજ રાયે ફરિયાદ કરી છે
સરીગામ GIDC માં કાર્યરત એન. આર. અગ્રવાલ પેપરમિલ તેમનો વેસ્ટ આસપાસના વિસ્તારોમાં અને જમીનમાં દાટી જમીન, પાણી અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે. તેવી ફરિયાદ સરીગામના ઇન્ચાર્જ સરપંચ પંકજ રાયે કરી છે. આ અંગે ETV ભારતને તમામ પુરાવા આપતા પંકજ રાયે જણાવ્યું હતું કે, કંપનીને કારણે નજીકના ફળિયાના ઘરોમા રહેતા લોકો કોલસાની કાળી રાખના રજકણોથી પરેશાન છે. કંપની દ્વારા એસિડીક કેમિકલયુક્ત દુર્ગંધ મારતુ પ્રદુષિત પાણી આજુબાજુના ખેતરને નુકશાન પહોંચાડી રહ્યુ છે. ભુગર્ભજળના પાણી બગડી ગયા છે. પારાવાર નુકસાન થયું છે. પર્યાવરણ માટે કંપની ગંભીર ખતરા સમાન છે તેવા સેમ્પલ એકત્ર કરી પર્યાવરણ મંત્રાલય સહિત તમામ વિભાગમાં કંપનીને ક્લોઝ નોટિસ આપે તેવી રજૂઆત કરી છે.
આ પણ વાંચો : પેપરમિલ દ્વારા વેસ્ટ પાણીને બહાર છોડી ભૂગર્ભ જળ ખરાબ કરવાની ફરિયાદ નોંધાઇ
પેપરમિલ દ્વારા સરીગામ-અણગામના હજારો લોકોના જીવ જોખમમાં
એન.આર.અગ્રવાલ પેપરમિલ થકી સરીગામ અણગામના હજારો લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ઈન્ચાર્જ સરપંચ પંકજ રાયે કંપનીમાથી નિકળતા એસિડીક કેમિકલના પાણીના સેમ્પલો લઈ લૅબોરેટરીમા ટેસ્ટિંગ કરાવ્યું છે, જેનો રિપોર્ટ GPCBના નિયમો વિરુદ્ધ આવ્યો છે. ત્યારે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરશે કે નહિં. સરીગામના ગ્રામવાસીઓને કાયમ પ્રદુષણમાં જ રાખવાનુ નક્કી કર્યુ છે કે શુ ? જેવા અનેક સવાલો સાથે ફરિયાદ કરી છે.
1 કિલોમીટર વિસ્તારના વીડિઓ પુરાવા એકઠા કરી ફરિયાદ સાથે મોકલ્યા
પંકજ રાયે કંપની દ્વારા રાસાણિક કેમિકલ પાણી મીક્ષ કરી પ્રદૂષિત પાણી જમીનમાં, ભુગર્ભજળમાં તથા કપંનીના આજુબાજુના રહેઠાણ વિસ્તારમાં છોડવામાં આવતું હોવાથી પીવાના પાણી, બોર, કૂવા વિગેરેના જળ પ્રદૂષિત બની ગયા હોય તેવા 1 કિલોમીટર વિસ્તારના વીડીયો પુરાવા એકઠા કરી ફરિયાદ સાથે મોકલ્યા છે અને માગ કરી છે કે, રાસાણિક માવો કપંનીના 70 એકર પરિસરમાંથી ખાડા ખોદી જમીન પરથી દૂર કરે, ખેડૂતોના ખેતીની જમીનમાંથી રાસાણિક કેમિકલ દૂર કરે, જયાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન થાય, સરીગામના તમામ વિસ્તાર, ફળિયાઓ, ભૂર્ગભ જળ, ખેતીલાયક પાક, જમીન, શુધ્ધ હવાનું નિયંત્રણ ન થાય ત્યાં સુધી નવી NOC આપવામાં આવશે નહિ.
આ પણ વાંચો : સરીગામ ઔદ્યોગિક વિસ્તારના કલરયુક્ત પ્રદૂષિત પાણી અંગે GPCBને ફરિયાદ
કંપની ઝીરો ડિસ્ચાર્જના નામે 3500થી વધુ TDS વાળું પાણી બહાર છોડે છે
ઉલ્લેખનીય છે કે, પંકજ રાયની અરજી બાદ ગુજરાત પ્રદુષણ બોર્ડના અધિકારીઓએ ગુરુવારે કંપની પરિસર અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી કંપની નજીકના ખેતરમાં છોડવામાં આવેલા એસિડીક હેઝાર્ડસ વેસ્ટ, બોરીગના ખરાબ થઇ ગયેલા પાણી, જમીનમાં દાટવામા આવેલો વેસ્ટ માવો સહિતના સેમ્પલ લઈ તપાસ શરૂ કરી છે. આ અંગે GPCBના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે ફરિયાદ બાદ તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. તેમજ સેમ્પલો કલેક્ટ કરી શનિવારે આ અંગે વધુ વિગતો આપવાની વાત કહી હતી. જ્યારે કંપનીના જોશુઆ મધુકર સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે આ અંગે પછી સામેથી ફોન કરી વિગતો આપવાનું જણાવ્યું હતું પરંતુ તે બાદ તેમણે આ અંગે કોઈ વિગતો કે પ્રતિક્રિયા આપી નથી. સૂત્રોનું માનીએ તો, એન. આર. અગ્રવાલ કંપની ભૂતકાળમાં પણ પર્યાવરણ મામલે બદનામ થઈ ચુકેલી કંપની છે.