જૂનાગઢ: કેન્દ્રશાસિત પ્રદેશ દીવની નજીક ગુજરાતમાં પ્રવાસીઓ માટે એક નવું નજરાણું બનવા જઈ રહ્યું છે. રાજ્યના પર્યટન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા ઉના નજીક આવેલા અહેમદપુર માંડવી બીચ પર પર્યટન ગતિવિધિને પ્રોત્સાહન મળે તે માટે ત્રણ દિવસના કાર્નિવલનું આયોજન કરાયું છે. જેમાં દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવાનું આયોજન સરકાર કરી રહી છે.
દીવ નજીક ગુજરાતમાં બનશે નવું બીચ પર્યટન સ્થળ: રાજ્યના પર્યટન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ નજીક ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચને પર્યટન ગતિવિધિ માટે તૈયાર કરાઈ રહ્યો છે. રાજ્યના પર્યટન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સોમનાથ દ્વારા અહીં 24, 25 અને 26 જાન્યુઆરીના ત્રણ દિવસ વિશેષ કાર્નિવલનું આયોજન કરાયું છે. જેમાં દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય તે પ્રકારનું આયોજન થવાનું છે. જેના થકી સંઘ પ્રદેશ દીવ નજીક ગુજરાતમાં દરિયાઈ પર્યટનને વિકસાવી શકાય તે માટેની શક્યતાઓ પણ ત્રણ દિવસના કાર્નિવલ થકી સામે આવશે.
સૂર્યોદય માટે અહેમદપુર માંડવી બીચ પ્રખ્યાત: ઉના નજીક આવેલ અહેમદપુર માંડવી બીચ દરિયાના એક રમણીય પર્યટન સ્થળ તરીકે વિકસી શકે છે. દેશના અનેક ભાગોમાં સૂર્યાસ્ત પર્યટન સ્થળો જોવા મળે છે, પરંતુ અહેમદપુર માંડવી બીચ પર સૂર્યોદય પોઇન્ટ પ્રવાસીઓ માટે એક નવું નજરાણું બની શકે છે. વધુમાં અહેમદપુર માંડવી બીચ પર શિયાળા દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ડોલ્ફિન જોવા મળતી હોય છે જે પણ આ બીચની સૌથી મોટી વિશેષતા છે.
બીચ કાર્નિવલમાં ફૂડ ઝોનને ખાસ મહત્વ: ઉપરાંત આ બીચ પર દરિયાઈ આધારિત વોટર સપોર્ટને પણ ખૂબ સારી રીતે વિકસાવી શકાય તેવી શક્યતાઓ છે. અહેમદ પુર માંડવી બીચ પર આવતા બાળકો માટે એમ્યુઝમેન્ટ પાર્ક થકી પણ તેમની વયને ધ્યાને રાખીને પર્યટનની ગતિવિધિને ચકાસવામાં આવશે. આગામી 24, 25, અને 26 જાન્યુઆરી દરમિયાન આયોજિત થનારા સર્વ પ્રથમ બીચ કાર્નિવલમાં ફૂડ ઝોનને પણ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. જેમાં પ્રવાસીઓની પસંદને ધ્યાને રાખીને સ્થાનિક અને અન્ય વાનગીઓ પીરસવાનું આયોજન પણ થયું છે.
ખ્યાતનામ કલાકારોના લાઈવ કોન્સર્ટ: આ ત્રણ દિવસ દરમિયાન લેઝર શોની સાથે ભારતના ખ્યાતનામ કલાકારોના લાઈવ કોન્સર્ટ પણ આયોજિત થનાર છે. દરિયાઈ કાર્નિવલ અંતર્ગત માછીમારીની બોટમાં વિવિધ ટેબલોને રાખીને પ્રવાસીઓનું મનોરંજન અનોખી રીતે કરવાનું રાજ્યનો પર્યટન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સોમનાથ કરી રહ્યું છે. આ ત્રણ દિવસ બાદ અહમદપુર માંડવી બીચને પ્રવાસન ગતિવિધિ માટે કઈ રીતે આગળ વધારી શકાય તેને લઈને કોઈ અંતિમ નિર્ણય રાજ્યની સરકાર કરી શકે છે.
આ પણ વાંચો: