વાપી: વાપી તાલુકાના ચંડોર ગામના સરપંચ દંપતીને ACB એ 1 લાખની લાંચની રકમ સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલ બંને લાંચિયા આરોપીઓમાં મહિલા ગામની સરપંચ હોય, એક ફ્લેટ ધારક ફ્લેટની આકારણી કરવા આવ્યો હતો. જેની પાસે અઢી લાખની લાંચની માગ કર્યા બાદ 1 લાખની રકમ સ્વીકારવા જતા સરપંચના પતિ અને મહિલા સરપંચ ACB ના છટકામાં સપડાઈ ગયા હતા. ACBના છટકામાં સરપંચ દંપતી સપડાયું.
" ACB સુરત એકમના મદદનીશ નિયામક અને સુપરવિઝન અધિકારી એ. કે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ વાપીમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં વાપી સુરત-મુંબઇ ને.હા.નં.48 ની બાજુમાં આવેલ શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાના પાર્કિગમાં એક જાગૃત નાગરીક પાસેથી 1 લાખની લાંચની રકમ સ્વીકારતા ચંડોર ગામના મહિલા સરપંચ મયુરીબેન મુકેશભાઈ ભુલાભાઈ પટેલ, અને મુકેશભાઈ ભુલાભાઈ પટેલને ACB ની ટીમે ઝડપી પાડી અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે"-- કે. આર. સક્સેના ( ACB PI અને ટ્રેપિંગ અધિકારી)
1 લાખ લેવા જતા સપડાયા: પકડાયેલ સરપંચ દંપતીએ આ કામના ફરીયાદી જે વાપી તાલુકાના ચંડોર ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલ હનુમંત રેસીડેન્સીમાં ફ્લેટ રાખેલ છે. જે ફ્લેટની આકારણી કરવા માટે પ્રથમ 2.50 લાખની લાંચ માંગી હતી. મહિલા સરપંચના કહેવાથી પતિએ ફરીયાદી પાસે 2.50 લાખની માંગણી કર્યા બાદ ફરીયાદી પાસે હાલ 1 લાખ રૂપિયા હોય તે આપી બાકીની રકમ પછી આપવાનું જણાવ્યું હતું.
ACB એ વધુ તપાસ: જો કે, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોય તેમણે ACB માં ફરિયાદ કરી હતી. જે ફરિયાદ આધારે ACB સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. જે મુજબ મહિલા સરપંચનો પતિ નિયત સ્થળે લાંચના રૂા.1 લાખ ફરીયાદી પાસેથી સ્વીકારી હેતુલક્ષી વાતચીત કરી સરપંચ પત્ની સાથે ટેલીફોન ઉપર સહમતી આપી રહ્યો હતો તે દરમ્યાન સ્થળ પર પકડાઈ ગયો હતો. જે બાદ ACB ની ટીમે મહિલા સરપંચને પણ ઝડપી પાડી હતી. હાલ બન્ને પતિ-પત્નીને અટકમાં લઈ ACB એ વધુ તપાસ હાથ ધરી છે.