- સાંસદ મોહન ડેલકરને આપવામાં આવી શ્રદ્ધાંજલિ
- મોહન ડેલકરના સમર્થનમાં પ્રફૂલ પટેલના પૂતળા દહનનો પ્રયાસ
- પ્રફૂલ પટેલના પૂતડા દહન મુદ્દે મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
દમણઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સાંસદ મોહન ડેલકરના સમર્થકો હવે ધીરેધીરે વિરોધના સુરમાં બહાર નીકળી રહ્યા છે. સેલવાસમાં ઝંડા ચોક ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી કેન્ડલ માર્ચથી મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સમયે મહિલાઓએ પ્રશાસક પ્રફુલ પટેલ સામે વિરોધ નોંધાવવા તેમના પૂતળા દહનનું આયોજન કર્યું હતુ. જેની જાણકારી પોલીસને મળતા પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે પ્રફૂલ પટેલનું પૂતળાનું દહન અટકાવી ટોળાને વિખેર્યું હતુ.
મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ આપાઇ
સેલવાસની મહિલાઓ દ્વારા સોમવારના રોજ દાદરા નગર હવેલીના સાંસદ સ્વ. મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી કેન્ડલ માર્ચ યોજી ડેલકરને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જે દરમિયાન મહિલાઓ દ્વારા પ્રફૂલ પટેલના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મહિલાઓ પૂતળાનું દહન કરે તે પહેલા પોલીસે પૂતળું ઝૂંટવી લેતા મામલો ગરમાયો હતો, પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઉભી થઇ હતી.