ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના સદસ્ય ઓમ માથુર સેલવાસમાં એક દિવસીય પ્રવાસે આવ્યા હતા. સેલવાસમાં દમણગંગા રિસોર્ટ ખાતે ઉપસ્થિત રહેલા ઓમ માથુરનું દાદરા નગર હવેલીના ભાજપના પદાધિકારીઓ કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઓમ માથુરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સંપૂર્ણ દેશ માટે લોકસભા ચૂંટણી 2019 ખુબજ મહત્વની છે.
તેઓ દેશના અન્ય રાજ્યમાં વ્યસ્ત છે. ત્યારે ફરીવાર ગુજરાત અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણની જવાબદારી પોતાને સોંપી છે. તેઓ એક દસકાથી ગુજરાતના પ્રભારી તરીકે જોડાયેલા રહ્યા છે. ત્યારે આ વખતે ગુજરાત સાથે દાદરા નગર હવેલીની સીટ માટે નટુભાઈ પટેલને જંગી બહુમતીથી વિજય બનાવી મહેનત કરી આ વિસ્તારની સીટ નરેન્દ્ર મોદીને ભેટ ધરવી છે. એ સાથે આ વખતનો ભાજપનો નારો ‘અબ કી બાર ચારસો કે પાર’ ને સફળ બનાવી વિરોધીઓને જડબાતોડ જવાબ આપવાનો છે.
ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમ માથુરે દમણગંગા રિસોર્ટના સભાગૃહમાં કાર્યકરોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીમાં તેઓએ પણ પોતાના સ્તર પર સર્વે કરાવ્યો છે. જેમાં નટુભાઈની જીત સુનિશ્વિત દેખાઈ રહી છે પરંતુ ખુશી ત્યારે થશે જ્યારે તમામ કાર્યકર્તાઓ એક સાથે મળી પાછલી બે ટર્મની તુલનાએ વધુ બહુમત મેળવી નટુભાઈને જીત અપાવે તો, જ સાચી જીત ગણાશે. આપની સામે અન્ય સક્ષમ ઉમેદવાર આવશે પરંતુ કોઈએ તેની વાતોમાં આવ્યા વગર એકજુથ થઈ નટુભાઈને હેટ્રિક અપાવવાની છે.
આ કાર્યકર્તા સંમેલનમાં સાંસદ નટુભાઈ પટેલ, પ્રદેશ પ્રભારી રઘુનાથ કુલકર્ણી, ભાજપ પ્રમુખ હસમુખ ભંડારી, સેલવાસ નગર પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ સહિત અન્ય પદાધિકરીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.