વાપી: વલસાડ જિલ્લા ભારતીય યુવા મોરચા, એન્જીનિયર્સ એસોસિએશન, રોટરી લાયન્સ બ્લડ બેન્ક દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ કનું દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કનુ દેસાઈએ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહનું આયોજન કરવાામાં આવ્યું હતું. વડાપ્રધાનના દીર્ઘાયુ માટે અનેક સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જે અંતર્ગત શનિવારે વલસાડ જિલ્લા ભારતીય યુવા મોરચા દ્વારા આ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ જિલ્લામાં કોરોના મહામારી દરમ્યાન રક્તની ઘટને નિવારવાનો છે.
આ માટે 70 બોટલનો ટાર્ગેટ છે, પરંતુ કાર્યકરોનો અને દાતાઓનો ઉત્સાહ જોતા 70 બોટલથી વધુ રક્ત એકત્ર કરી શકીશું. રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રક્તદાતાઓને માસ્ક, સેનેટાઇઝર સહિતની ગિફ્ટ અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. રક્તદાન કેમ્પમાં શહેર ભાજપ પ્રમુખ, પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.