ભિલાડ RTO પાસે શુક્રવારે સાંજે મુંબઈથી ઝઘડિયા તરફ યલો ફોસ્ફરસ નામના કેમિકલના ડ્રમ ભરીને જઇ રહેલા કન્ટેનરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. કન્ટેનરમાં કેમિકલના ડ્રમ હોય તેમાં આગ લાગતાં વાહનચાલકોના જીવ પણ પડીકે બંધાયા હતાં.
આગની ઘટના અંગે સરીગામ ફાયર વિભાગને જાણ થતાં સરીગામ ફાયર વિભાગના જવાનો ફાયર ટેન્ડર સાથે ધસી આવ્યા હતાં. આગને બુઝાવવા ફોમ અને પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે કન્ટેનરમાં રહેલા યલો ફોસ્ફરસ કેમિકલને કારણે આગ બુઝાવાને બદલે વધુ પ્રસરતી હોવાથી ફાયર વિભાગે સાવેચતી દાખવી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હોવાનું સરીગામ ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું.