- નાની દમણ ધોબી તળાવ નજીક સામસામે અથડાઈ કાર
- કાર ચાલકનો આબાદ બચાવ
- ખુલ્લા રોડ પર પુરપાટ દોડતા વાહનો પર અંકુશ જરૂરી
દમણ : નાની દમણ ધોબી તળાવ નજીક ગુજરાત પાર્સિંગ અને દમણ પાર્સિંગની 2 કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જોકે, કારમાં સવાર બંને ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની ઘટના અંગે મળતી મુજબ નાની દમણના ધોબી તળાવ નજીક ત્રણ રસ્તા પર કાર દેવકા તરફથી આવી રહી હતી. ત્યારે તેની સામે મશાલ ચોકથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
સીટ બેલ્ટ, એર બેગે બચાવી જાન
અકસ્માતની ઘટનામાં બંને કાર સામસામે અથડાતા મોટાપાયે નુકસાન પામી હતી. જોકે, અકસ્માત દરમ્યાન બંને કાર ચાલકોએ સીટ બેલ્ટ બાંધ્યા હતાં. જેથી અકસ્માત સમયે કાર બહાર ફેંકાઈ જવાને બદલે સ્ટિયરિંગ સાથે અથડાયા હતા. જેમાં સ્ટીયરિંગની એરબેગ ખુલી જતા બંને કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
સ્પીડ બ્રેકરની જરૂરિયાત
ઉલ્લેખનીય છે કે, હાલમાં દમણ પ્રશાસન દ્વારા તમામ મુખ્ય માર્ગોને પહોળા કરવાની કામગીરી હાથ ધરી માર્ગની પહોળાઈ વધારી છે. તેમજ ટ્રાફિક ધરાવતા વિસ્તારમાં સ્પીડ બ્રેકર મુકયા નથી. જેને કારણે તેજ ગતિથી આવતા વાહનો અકસ્માત નોતરી રહ્યા છે. જે અંગે ટ્રાફિક અને રહેણાંક વિસ્તાર ધરાવતા સ્થળોએ માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકે તેવી માંગ લોકોમાં ઉઠી હતી.