- જે સ્વજન જે તિથિએ મૃત્યુ પામે તે તિથિએ તેનું શ્રાદ્ધ કરવું જોઈએ
- બ્રાહ્મણ અને કાગડાના મુખમાં પિતૃઓનો વાસ હોય છે.
- ભાદ્રપક્ષના 16 દિવસ શ્રાદ્ધના દિવસ ગણાય છે.
સેલવાસ: હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે. 2 વર્ષમાં ભાગ્યે જ કોઈ એવો પરિવાર હશે. જેના કોઈ સ્વજન આ 2 વર્ષના સમયમાં મૃત્યુ પામ્યા નહિ હોય, ત્યારે હાલમાં શરૂ થયેલા શ્રાદ્ધપક્ષમાં દરેક હિન્દુએ કઈ રીતે શ્રાદ્ધ કરવું, પિંડદાન, તર્પણ, બ્રહ્મભોજન, કાગવાસ કઈ રીતે કરવો પિતૃઓનું પૂજન કરી કઈ રીતે આશીર્વાદ મેળવવા જોઈએ તે અંગેની ઉપયોગી માહિતી સેલવાસના જાણીતા ભાગવતાચાર્ય ગીરીશભાઈ શાસ્ત્રીએ ETV ભારતના દર્શકોને આપી છે.
તિથિ મુજબ તેનું શ્રાદ્ધ
ભાદરવા મહિનામાં પૂર્ણિમાથી અમાસ સુધીના 16 દિવસો શ્રાદ્ધપક્ષના દિવસો ગણાય છે. આ દિવસોમાં વૈદિક સનાતન સંસ્કૃતિ મુજબ જે પરિવારમાં જે પણ સ્વજનનું જે પણ તિથિએ મૃત્યુ થયું હોય તે તિથિ મુજબ તેનું શ્રાદ્ધ કરવામાં આવે છે, ત્યારે આ અંગે સેલવાસના જાણીતા ભાગવતાચાર્ય ગીરીશભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આપણી વૈદિક સનાતન સંસ્કૃતિ પ્રમાણે શ્રાદ્ધપક્ષનું ખૂબ જ મહત્વ છે. ભાદ્રપક્ષના 16 દિવસ પૂર્ણિમાંથી લઈને અમાસ સુધીના દિવસો શ્રાદ્ધ દિવસ ગણવામાં આવે છે. આ દિવસો દરમિયાન જે. જે. પિતૃઓ જે જે તિથિએ સ્વર્ગવાસ થયા હોય તે તીથી દરમિયાન તેમને યાદ કરી તેમનું યજન કરી તેમની પૂજા કરી તૃપ્ત કરવામાં આવે છે.
અમાસના દિવસે સમસ્ત પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે.
માન્યતા છે કે, આ 16 દિવસ દરમિયાન પિતૃઓ સૂક્ષ્મ રૂપ ધરિ પોતાના પરિવારને ત્યાં આશીર્વાદ આપવા માટે આવે છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન તિથિ મુજબ શ્રાદ્ધ કરવામાં આવે છે. જેમાં એકમ, બીજ પાંચમના કોઈ વ્યક્તિનું મોત થયું હોય તો તે દિવસે તેનું શ્રાદ્ધ કરવામાં આવે છે. સામાન્ય રીતે વયોવૃદ્ધ માજીઓનું શ્રાદ્ધ નોમના દિવસે કરવામાં આવે છે. અસ્ત્ર શસ્ત્રથી મોતને ભેટ્યા હોય તેમનું શ્રાદ્ધ ચૌદમા દિવસે કરવામાં આવે છે. જ્યારે અમાસના દિવસે સમસ્ત પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. જે પરિવારના લોકોને તેમના સ્વજનની તિથિ યાદ ના હોય તે તમામ સ્વજન આ દિવસે તેમના પિતૃઓને તૃપ્ત કરવા માટે શ્રાદ્ધ કરી શકે છે.
શાસ્ત્રી ગીરીશભાઈના જણાવ્યા મુજબ કેવી રીતે થાઇ શ્રાદ્ધ પ્રાપ્ત તે જાણો
મનુષ્યયોનીમાં ફરી જન્મ લીધો હોય તો તેમને અર્પણ કરેલું શ્રાદ્ધ તેને પોતાને જ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રી ગીરીશભાઈના જણાવ્યા મુજબ દેવલ સ્મૃતિમાં કરેલા વર્ણન મુજબ જો પિતાનો સ્વર્ગવાસ થયો હોય અને તે દેવયોનીમાં ગયા હોય તો તેમને અર્પણ કરેલું શ્રાદ્ધાન્ન અમૃત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. ગાંધર્વયોનિમાં જે પિતૃ મૃત્યુ પામ્યા હોય તેને અર્પણ કરેલા વિવિધ પ્રકારના ભોગ, શ્રાદ્ધ તર્પણ તે મુજબ તેને પ્રાપ્ત થાય છે. કોઈ સર્પ બન્યા હોય તો વાયુ સ્વરૂપે, પશુ યોનિમાં ગયા હોય તો તૃણ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અને જે કોઈ મનુષ્યયોનીમાં ગયા બાદ તે જ પરિવારમાં ફરી જન્મ લીધો હોય તો તેમને અર્પણ કરેલું શ્રાદ્ધ તેને પોતાને જ પ્રાપ્ત થાય છે.
ખીર કે બ્રહ્મભોજન ખવડાવવાથી પિતૃઓ તૃપ્ત થાય છે
ગીરીશભાઈ શાસ્ત્રી વધુમાં જણાવે છે કે આ પક્ષ દરમિયાન દરેકે યથાશક્તિ કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવી તર્પણ, વિષ્ણુ પૂજન, પીંડ દાન અવશ્ય કરવું જોઈએ જેથી પિતૃઓ તૃપ્ત થાય છે. પરિવાર પર પુણ્ય, ભાગ્યના આશીર્વાદ આપે છે. ભવિષ્ય પુરાણના ઉલ્લેખ મુજબ ગાયના દૂધમાં બનાવેલ ખીર પિતૃઓને અર્પણ કરવાથી તે ખૂબ રાજી થાય છે. અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. બ્રહ્મભોજનનું અને કાગવાસનું પણ શ્રાદ્ધપક્ષમાં ખૂબ જ મહત્વ છે કાગડાના અને બ્રહ્મણના મુખમાં પિતૃનો વાસ છે એટલે તેમને ખીર કે બ્રહ્મભોજન ખવડાવવાથી પિતૃઓ તૃપ્ત થાય છે.
પરિવારમાં ધન-ધાન્ય, આરોગ્ય અને વંશવૃદ્ધિની પ્રાપ્તિ થાય છે
વૈદિક સનાતન સંસ્કૃતિ અથવા તો દરેક હિન્દુએ પિતૃઓનું પૂજન કરવું જોઈએ. પિંડદાન કરવું જોઈએ. આ આપણી વૈદિક પદ્ધતિ અને સંસ્કૃતિ છે. ગીતાજીમાં પણ પિંડદાન નું મહત્વ છે એટલે દ્રવ્યનું મહત્વ નથી પણ આ આ શ્રદ્ધાનું મહત્વ છે. સગવડ મુજબ દરેકે પિતૃ તર્પણ કરવું જોઈએ જેનાથી પરિવારમાં ધન-ધાન્ય, આરોગ્ય અને વંશવૃદ્ધિની પ્રાપ્તિ થાય છે
કોરોના કાળમાં આ રીતે કરો શ્રાદ્ધ
હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે. 2 વર્ષમાં ભાગ્યે જ કોઈ એવો પરિવાર હશે જેના કોઈ સ્વજન આ 2 વર્ષના સમયમાં મૃત્યુ પામ્યા નહિ હોય, ત્યારે હાલમાં શરૂ થયેલા શ્રાદ્ધપક્ષમાં દરેક હિન્દુએ કઈ રીતે શ્રાદ્ધ કરવું, પિંડદાન, તર્પણ, બ્રહ્મભોજન, કાગવાસ કઈ રીતે કરવો પિતૃઓનું પૂજન કરી કઈ રીતે આશીર્વાદ મેળવવા જોઈએ તે અંગેની ભાગવતાચાર્ય ગીરીશભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં જો આપણે કોઈ તીર્થસ્થાન કે નદી તળાવ પર જઈને પિતૃઓ પ્રત્યેનું પૂજન અને શ્રાદ્ધના કરી શકીએ તો નાના ઝરણાં પાસે જઈને અથવા તો પીપળો બીલીપત્રના ઝાડ પાસે કે પોતાના ઘરે બ્રાહ્મણના સાનિધ્યમાં શ્રાદ્ધ કરી શકાય છે. કોરોના કાળમાં નિયમોના પાલનને ધ્યાને રાખી દરેકે એ મુજબ પોતાની યથશક્તિ પ્રમાણે પિતૃઓને રાજી કરવા માટે આ રીતે પણ શ્રાદ્ધ કરી શકાય છે.