સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી મધુબન ડેમ પર દૂધની અને વાઘચૌડા વોટર સ્પોર્ટ્સ આવેલા છે. ઉપરાંત ચોમાસામાં 100 ઇંચથી વધુ વરસાદ વરસતો હોય લોકો પાણીમાં ડૂબી જાય ત્યારે અથવા ઉદ્યોગોમાં કે માર્ગ અકસ્માતની હોનારતમાં લોકોને કઈ રીતે બચાવવા તેની ખાસ તાલીમ શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે સ્થાનિક હોડી માલિકો અને અન્ય સંસ્થાઓના સેવાભાવી યુવાનોને રાષ્ટ્રીય લાઈફ સેવિંગ સોસાયટી દ્વારા નદીના ઊંડા પાણીમાં ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી.
માર્ગ પર પણ ગંભીર અકસ્માત થતા હોય છે. આવા અકસ્માત વખતે જો સ્થાનિક લોકો પાસે બચાવકળા હોય તો તે પોલીસ કે ફાયર ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ લોકોના જીવ બચાવી શકે છે. આ ઉદ્દેશ્ય સાથે દાદરા નગર હવેલી પ્રશાસન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા દૂધની-વાઘચૌડાના હોડી માલિકો અને અન્ય સ્થાનિક સેવાભાવી સંસ્થાના યુવાનો માટે પાંચ દિવસીય તાલીમ શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ હેઠળ શનિવારે રાષ્ટ્રીય લાઈફ સેવિંગ સોસાયટીના માસ્ટર ટ્રેનર્સે 30 જેટલા યુવાનોને તરવાની કળા અને તેની સાથે ડૂબતા વ્યક્તિને કઈ રીતે બચાવવો તેની તાલીમ આપી હતી. આ કાર્યશાળા અંતર્ગત પહેલા 4 દિવસ સ્વિમિંગ પુલમાં અને શનિવારે મધુબન ડેમ નજીક દમણગંગા નદીના ઊંડા પાણીમાં ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી. દાદરા નગર હવેલીના RDC અપૂર્વ શર્મા અને ડીઝાસ્ટર મેનેજમેન્ટના જીગ્નેશ જાદવના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યશાળા દરમ્યાન પાણીમાં 90 મીટર સુધી ફેંકી શકતા રોપ લૉન્ચરનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું.
તરવાની તાલીમ સાથે લોકોને બચાવવાની તાલીમ મેળવનારા યુવાનોએ પણ આ કાર્યશાળામાં ઉમળકા ભેર ભાગ લીધો હતો અને આ તાલીમથી તેમને પણ હોડીના વ્યવસાય સાથે અન્ય ડૂબતા વ્યક્તિને બચાવવામાં સરળતા રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલી પ્રશાસન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ આયોજિત આ લાઈફ સેવિંગ સ્કિલ કાર્યક્રમમાં જે તાલીમાર્થીઓએ ટ્રેનિંગ લીધી છે, તેમને પ્રશાસન ખાસ પ્રમાણપત્ર આપશે અને એ ઉપરાંત તેમને વ્યવસાય માટે ખાસ લોન આપી રોજગારી પણ પૂરી પડવાની નેમ છે.