ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી GTU દ્વારા બી-ફાર્મસી બીજા સેમેસ્ટર, મે 2019 માં લેવાયેલી પરીક્ષામાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવની 3 વિદ્યાર્થીનીઓએ ટોપટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ પરીક્ષાના પરિણામમાં અને GTUમાં ટોપ ટેનમાં રહેવાની પરંપરા છેલ્લા 11 વર્ષથી નિભાવતા આવ્યા છે. આ પરંપરા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાયમ રાખી છે. બી-ફાર્મસી બીજા સેમેસ્ટરનું શુક્રવારે GTUએ જાહેર કરેલ પરિણામમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થિનીઓનું SPI અને CPI મુજબ પરિણામ જોતા દ્રષ્ટિ ગોયનાવાલાએ 9.76 SPI સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જિલ ગાંધીએ 9.76 SBI સાથે આઠમો ક્રમ અને CPI પરિણામ જોતા સાક્ષી મધુસુદન મંત્રી 9.44 રેન્ક સાથે સાતમો ક્રમ મેળવી કોલેજ તથા વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમ મેળવનાર દ્રષ્ટિ ગોયનાવાલાએ જણાવ્યું હતું કે, આ સિદ્ધિ બદલ તે તેમના શાળાના આચાર્ય સ્ટાફ પ્રોફેસર માતા-પિતા બધાનો ખુબ જ આભાર માને છે. કેમ કે, તેમની ગાઈડલાઈન મુજબ તેમણે આ સિદ્ધિ મેળવી છે. કોલેજમાં શાળાના પ્રિન્સીપાલ સતત તેમને પ્રોત્સાહન આપતા આવ્યા છે. અને તેમના પ્રોત્સાહનથી જ આ સિદ્ધિ મેળવી છે. કોલેજમાં સિલેબસ સિવાય પ્રેક્ટીકલ નોલેજ, સ્કીલ ડેવલોપમેન્ટ અને અન્ય એક્ટિવિટી કરાવવામાં આવતી હતી. તેને કારણે જ આ સફળતા મેળવી શકી છે.
શાળાના પ્રિન્સીપાલ ડો. સચિન નારખેડેએ જણાવ્યું હતું કે, BNB કોલેજ 2008માં શરૂ થઈ હતી. ત્યારથી લઈને 2019ના આ 11 વર્ષમાં GTUમાં કોલેજના વિદ્યાર્થીઓએ હંમેશા ટોપટેનમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. 2019માં પણ વિદ્યાર્થીઓએ કોલેજનું નામ રોશન કર્યું છે. સંસ્થાની પરંપરાને કાયમ રાખી છે. કોલેજમાં મુખ્ય ઉદ્દેશ ડિગ્રીની સાથે વિદ્યાર્થીઓને શું આપી શકાય તે હોય વિદ્યાર્થીઓને ખાસ પ્રેક્ટીકલ સ્કીલ પૂરી પાડવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપે જ છેલ્લા 11 વર્ષથી BNB સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ આ સિદ્ધિ મેળવતી આવી છે.
ઉલ્લેખનીય છે કે, સલવાવ સ્થિત BNB ફાર્મસી કોલેજની પાછલા વર્ષોની વાત કરીએ તો વર્ષ 2011માં ત્રણ વિદ્યાર્થીઓ, વર્ષ 2012માં 6 વિદ્યાર્થીઓ, વર્ષ 2013માં 13 વિદ્યાર્થીઓ, વર્ષ 2014માં 16 વિદ્યાર્થીઓ, વર્ષ 2015માં 18 વિદ્યાર્થીઓ, 2016 માં 28 વિદ્યાર્થીઓ, 2017માં 42 વિદ્યાર્થીઓ અને 2018માં B-ફાર્મ અને M-ફાર્મના મળી 41 વિદ્યાર્થીઓએ GTUમાં પ્રથમ હરોળનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
વર્ષ 2019માં 3 વિદ્યાર્થીનીઓએ મેળવેલ સિદ્ધિ બદલ સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક પરમ પૂજ્ય સ્વામી પુરાણી કેશવ ચરણદાસજી, મેનેજીંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય સ્વામી શાસ્ત્રી કપિલ જીવણદાસજી, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડિરેક્ટર, M-ફાર્મ હેડ, કેમ્પસ ડિરેક્ટર, કોલેજના આચાર્ય તેમજ તમામ વિદ્યાર્થીઓએ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતાં.