ફતેપુરા તાલુકાના મોટી રેલ ગામના રર વર્ષીય રંગજીભાઈ હકાભાઈ બારીયા આશરે દસક દિવસ અગાઉ ભાટ મુવાડી ગામેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતા. જેને સારવાર અર્થે સૌ પ્રથમ નજીકના બલૈયા સરકારી દવાખાને ખસેડાયા હતા. જ્યાં ઈજાની ગંભીરતાને ધ્યાને લઈ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ફતેપુરા સરકારી દવાખાન ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
હાલત વધુ ગંભીર જણાતાં તેને દાહોદ સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ, ત્યાં પણ યુવાનની સારવાર કોઈ સુધાર ન જણાતા તેને અમદાવાદ સિવીલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. અહીં તેમને નિરાશા મળી, આ હૉસ્પિટલમાં તબીબોએ સારવાર આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી, ત્યારબાદ તેને ઘરે લાવવામાં આવ્યા હતાં. ન્યાય મેળવવા માટે યુવાનના પિતા તેને લઈ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા ગયા હતાં.
એક પણ હૉસ્પિટલમાં ઈજાગ્રસ્ત યુવાનને સમયસર સારવાર ન મળતાં શુક્રવાર સાંજે તેનું મોત થયું હતું. જેથી રોષે ભરાયેલાં મૃતક રંગજીભાઈનો પરીવાર મૃતદેહ લઈ પોલીસ મથકે પહોંચ્યો હતો, ત્યારે પોલીસ મૃતકના પરિવાર વચ્ચે ઉગ્ર વાતચીત થઈ હતી. ધીરે ધીરે વાત વધુ ગંભીર બનતી ગઈ. જેમાં પોલીસે મૃતકના પિતા સાથે ગેરવર્તન કરતાં ખળભડાટ મચી ગયો હતો.
આમ, સારવાર માટે ભટકતાં પરિવારને દિકરાને સમયસર સારવાર ન મળતાં તેનું મોત થયું છે, ત્યારે ઘટનામાં પોલીસે નીરસતાં દાખવી હોવાથી આવી ઘટનાઓને પ્રોત્સાહન મળતું હોવાનું રહીશો જણાવી રહ્યાં છે. આ અંગે વાત કરતાં સ્થાનિકોએ કહ્યું હતું કે, "પોલીસે ફરિયાદીને વાતને ગંભીરતા લઈ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને હોસ્પિટલો પર કડક વલણ દાખવ્યું હોત તો યુવાન જીવતો હોત".