દાહોદઃ જિલ્લાના વડબારા ગામે પત્નીએ બનાવેલા ભજીયા સારા નહીં હોવાનું જણાવતા પતિ-પત્ની વચ્ચે તકરાર થઈ હતી. આ ચક્ર આરે રાત્રી દરમિયાન વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પત્નીએ દાતરડાના ઘા ઝીંકી પતિને મોતને ધાટ ઉતાર્યો હતો. પોલીસે આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદ તાલુકાના વડબારા ગામે મિનામા ફળિયામાં રહેતા ૩૫ વર્ષીય ભાદુભાઈ જાેગડાભાઈ મિનામા તથા તેેમની પત્ની રમીલાબેન ભાદુભાઈ મિનામા એમ બંન્ને જણા પોતાના ઘરમાં હતા. ગુરૂવારે પત્ની રમીલાબેને જમવાનું બનાવ્યું હતું અને જમવામાં ભજીયાની વાનગી બનાવી હતી. ભજીયા અંગે પતિ ભાદુભાઈએ કહ્યું કે, તે ભજીયા કેવા બનાવ્યા છે, તેમ કહેતા પતિ-પત્ની વચ્ચે આ મામલે બોલાચાલી પણ થઈ હતી અને બાદમાં તે ઝઘડાએ ઉગ્રરૂપ ધારણ કર્યું હતુ.
જે બાદ પતિ - પત્ની સહિત પરીવારજનોના સમજાવટને પગલે મામલો તે સમયે થાળે તો પડ્યો હતો, પરંતુ આ ઝઘડાથી એકદમ ઉશ્કેરાયેલી પત્ની રમીલાબેને વહેલી સવારે 4 કલાક આસપાસ સુતેલા પોતાના પતિ ભાદુભાઈ ઉપર હિંસક હુમલો કરી પથ્થર તથા દાંતરડા જેવા હથિયારથી માથાના ભાગે, કાનના પાછળના ભાગે તથા આંખની નીચેના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાથી પરિવારજનોમાં સ્તબ્ધતા સાથે આક્રંદનો માહૌલ છવાઈ ગયો હતો.
આ ઘટનાની જાણ વાયુવેગે ગ્રામજનોમાં થતાં લોકટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા અને પોલીસ પણ આવી પહોંચી હતી. કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.