દેસાઈવાડ નજીક સેફિ બિલ્ડિંગના જર્જરીત મકાનનો હિસ્સો તૂટી પડતા બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં ખેમચંદ આત્મારામ પ્રેમજાનીને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી આ બંને લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ખેમચંદ પ્રેમજાનીને માથામાં 7 ટાકા આવ્યા હતા. નગરપાલિકા ઉપરોક્ત ઘટનાને ધ્યાનમાં લઇ યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.
દાહોદ નગરપાલિકાના ઘણા વિસ્તારોમાં વર્ષો જૂની જર્જરિત ઇમારતો આવેલી છે. આ ઈમારતોમાં વસવાટ કરતા લોકોને હર હંમેશ માટે જીવનું જોખમ રહેલું હોય છે. તેમ છતાં જર્જરિત ઈમારતોને ઉતારી પાડવા માટે નગરપાલિકા દ્વારા કોઈ તસ્દી લેવામાં આવતી નથી. થોડા દિવસ પહેલા ભારે વરસાદને કારણે કસ્બા વિસ્તારમાં મકાન ધરાશાયી થયું હતું.