દાહોદ: જિલ્લાના લીમખેડા તાલુકાના પીપળી ગામના વતની નીલેશભાઇ ઇશ્વરભાઇ મુનીયાનો 18મી જૂનના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં તેમને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 10 દિવસની સઘન સારવાર બાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા હતા. સોમવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
જ્યારે ઝાલોદના કદવાલ ગામના વતની જયદીપ દિનેશ પ્રજાપતિ 13 જુને અમદાવાદથી દાહોદ આવ્યા હતા, જે દરમિયાન તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 17 જૂને તેમનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમણે પણ ઝાયડસ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને 11 દિવસની લડત બાદ કોરોનાને માત આપી હતી
દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.ડી. પહાડીયા સહિત સૌ આરોગ્યકર્મીઓ તેમને શુભેચ્છાઓ પાઠવી તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપી હતી. બંને યુવાનોએ જિલ્લા તંત્ર અને આરોગ્ય કર્મીઓએ એક પરીવારની જેમ તેમની સારસંભાળ રાખવા બદલ તેમને ધન્યવાદ આપ્યા હતા.