દાહોદ: ઝાલોદ તાલુકાના કચલધારા ગામે દીપડાએ ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાત્રી દરમિયાન કુદરતી હાજતે જવા નીકળેલા યુવક પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડી હતી. બીજી ઘટના ગામમાં જ બીજા ફળિયામાં ખેતરની રખેવાળી કરતા ખેડૂત પર દીપડાએ હુમલો કરતા હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર યુવકને સારવાર અર્થે લઇ જવા માટે આવતા જમાઈ પર પણ રસ્તામાં દીપડાએ હુમલો કર્યો હતો.
આરએફઓ ઝાલોદનાં ભાવેશ ભાઈના જણાવ્યા અનુસાર બંને વ્યક્તિઓને માથામાં અને ચહેરા હાથે પર ઈજા થઈ છે. હાલ બંનેની હાલત સ્થિર છે અને બંને કોઈ પણ પ્રકારના ખતરાથી બહાર છે. છેલ્લા ચાર વર્ષથી અહીંયા આ વિસ્તારમાં દીપડો નોંધાયેલો નથી. હાલ પ્રાણીના પગના નિશાન લેવામાં આવ્યા છે અને પ્રાણીની ઓળખ ચાલી રહી છે. આસપાસ વન વિસ્તાર આવેલો છે તેથી ખોરાકની શોધમાં પ્રાણીઓ અહીંયા આવી ચઢે છે. લોકોને અપીલ છે કે ઘરમાં સુવાનું રાખે અને જો નોનવેજનો ખોરાકમાં ઉપયોગ કરતા હોય તો તેના અવષેશો ફેંકવા નહિ.'
દાહોદ જિલ્લાના ઝાલોદ પંથકમાં આવેલ કચલધારા ગામે જંગલની અડીને આવેલા પોતાના ઘરેથી કુદરતી હાજતે ગયેલા હતા. આ દરમિયાન તેમના ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. દિનેશ ભાઈએ બુમાબુમ કરતા તેમની માતા આવી પહોંચી હતી. માતાએ દિનેશ ભાઈને દીપડાને લાકડી વડે મારવા છતાં દીપડો પકડ ઢીલી કરી રહ્યો ન હતો. ત્યારબાદ દિનેશ ભાઈની માતાએ દીપડા ઉપર ગોદડું નાખી દેતા દીપડો સ્થળ પરથી ભાગી ગયો હતો.
ઈજાગ્રસ્ત દિનેશ ભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તે જ રાતે બીઓજ ફળિયામાં ખેતરમાં રખેવાળી કરતા નર્સિંગ ભાઈ ઉપર પણ દીપડાએ હુમલો કર્યો હતો અને તેઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. નર્સિંગ ભાઈએ જયારે તેમના જમાઈને દવાખાને લઇ જવા માટે ફોન કર્યો અને તેમના જમાઈ જયારે આવી રહ્યા હતા ત્યારે દીપડાએ તેની ઉપર પણ હુમલો કર્યો હતો. નર્સિંગ ભાઈના જમાઈ પર દીપડાએ હુમલો કરતા તેને પણ બુમાબુમ કરી અને લોકો ભેગા થઇ જતા દીપડો ભાગી ગયો. હાલ બંને ઇજાગ્રસ્તોને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
લોકો ભયના ઓથાર હેઠળ: દીપડા જેવા જંગલી પ્રાણીઓ શિકારની શોધમાં ફરતા હોય અને લોકો ઉપર પણ અવારનવાર હુમલા કરતા હોય છે. પ્રાણી દ્વારા હુમલાની હિંસક ઘટનાથી લોકોમાં ભયભીત થઇ ગયા છે. ભાગોળે આવેલ સીમ વિસ્તારમાં પોતાના રહેણાંક રહેતા ભાગોળે હદ સુધી પહોંચી જતા હોય સ્થાનિક લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.