દાહોદઃ જિલ્લાના અભલોડ ગામે અભલોડ ગામે રાત્રે બંધ 3 મકાનના તાળા તૂટ્યા હતા. જેમાં બે મકાનમાં ચોરોને મહેનત માથે પડી હતી પણ રાયણ ફળિયામાં આવેલા નિવૃત્ત ડીવાયએસપી સી.પી ભાભોરના બંધ મકાનના તાળા તોડી ચોરો સોના ચાંદીના દાગીના તથા રોકડ 60,000 મળી 1,11,100 ના મુદ્દામાલની ચોરી કરવામાં સફળ રહ્યા હતા.
ગરબાડા તાલુકાના અભલોડ ગામના નિવૃત્ત ડીવાયએસપી જેઓ પરિવાર સાથે નડિયાદ ગયા હતા અને ત્યાં તેમના પરિવાર જોડે રોકાયા હતા. આ તકનો લાભ લઇ બંધ મકાનને ચોરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરના ગેટ અને મુખ્ય દરવાજાના તાળું તોડી ઘરમાં રહેલી બે તિજોરીના લોક તોડી સામાન વેરવિખેર કરી તેમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા 60,000 આમ કુલ મુદ્દામાલ 1,11,1100ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
તે જ રાત્રિએ અભલોડ ગામમાં પણ બે મકાનના તાળા તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં કોઈ માલ સામાનની ચોરી થઇ હોય એવું જાણવા મળ્યું નથી. આ બાબતની જાણ ડીવાયએસપીના પુત્રને નૈનેશભાઈ ભાભોરે જેસાવાડા પોલીસ સ્ટેશનને કરી હતી. પોલીસ દ્વારા અજાણ્યા ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, લોક ચર્ચા અનુસાર કોઈ જાણભેદુ દ્વારા જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
નિવૃત્ત ડીવાયએસપીના મકાનમાં ચોરાયેલી વસ્તુમાં ચાંદીનો કંદોરો 308 ગ્રામ, ચાંદીની પાયલ 358 ગ્રામ, ચાંદીનું મંગળસૂત્ર 58 ગામ, સોનાની ચેન 15 ગ્રામ, સોનાની બુટ્ટી 5 ગ્રામ, સોનાની શેરો 5 ગ્રામ, સોનાની ચૂક એક ગ્રામ અને રોકડા 60000 મળી કુલ રૂ1,11,100ના મુદ્દામાલની ચોરી થઈ હતી.