- ભોપાલ જવા નીકળેલી યુવતીનું રહસ્યમય મોત
- લીમખેડા પાસેથી મળી આવ્યો મૃતદેહ
- પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કારણ જાણવા મળશેઃ પોલીસ
દાહોદઃ મધ્યપ્રદેશના અનુપનગરમાં રહેતી સુપ્રિયા રામકિશોર તિવારી ઉંમર વર્ષ 23 ગત 2જી માર્ચે અમદાવાદથી સોમનાથ એક્સપ્રેસ ટ્રેનમાં બેસી મધ્યપ્રદેશના ભોપાલ ખાતે જવા માટે નીકળી હતી. દરમિયાન રાત્રીના સમયે આ ટ્રેનમાંથી ફંગોળાઈ નીચે પટકાઈ જતાં સુપ્રિયા તિવારીનું શરીરે તથા માથામાં થયેલી ગંભીર ઇજાના કારણે ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું હતું. પોલીસે યુવતીના મૃતદેહનો કબજો મેળવી પેનલ ડોકટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું સાચું કારણ જાણવા મળે તેમ છે. હાલ તો 30થી 35 ફૂટ ઊંડા નાળામાં પટકાવાથી સુપ્રિયાનું મોત થયાનું જણાય છે. સુપ્રિયાના મોબાઈલ સહિતની વસ્તુઓ રેલવે કોચમાંથી મધ્યપ્રદેશ પોલીસે કબજે લીધા હોવાનું પોલીસે જણાવ્યું હતું. લીમખેડા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે
આ પણ વાંચોઃ દારૂ ભરેલી ગાડીમાં અકસ્માતને પગલે આગ લાગતા અંદર બેઠેલા 2 યુવાનો ભડથું
- તપાસ અધિકારીઓએ ઘટના સંદર્ભે નિવેદન આપ્યાં
આ ઘટના સંદર્ભે લીમખેડા પોલીસ ઇન્સપેક્ટર એમ કે ચૌધરીએ જણાવ્યું હતું કે મંગળ મહુડી નજીક રેલવે ગરનાળા પાસે મહિલાનો મૃતદેહ મળી આવતા અકસ્માતે મોતનો ગુનો નોંધીને પેનલ ડોક્ટર દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ આવ્યો નથી. જે રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય દિશામાં તપાસ થઈ શકશે. પ્રાથમિક તપાસમાં યુવતી ફંગોળાઈ ગઈ હોય અથવા પડી ગઈ હોવાનું જણાઈ રહ્યું છે. જીઆરપી દાહોદના તપાસ અધિકારી એસ કે ભૂરીયાએ આપેલા નિવેદનમાં જણાવાયું છે કે મધ્યપ્રદેશના ભોપાલના રહેવાસી અને અમદાવાદથી જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં વતન જવા નીકળેલી સુપ્રિયા ગુમ હોવાની જાણવાજોગ ફરિયાદ આવેલી છે. પરંતુ આ યુવતીનો મૃતદેહ લીમખેડા મુકામે મળ્યો હોવાથી તેની લીમખેડા પોલીસ તપાસ કરી રહી છે.