દાહોદઃ નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ તેના ઘર આંગણે જ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આ સેવા સેતુ કાર્યક્રમનો પાંચમો તબક્કો દાહોદ જિલ્લામાં પૂર્ણ થઇ ગયો છે. ગામોના સેજા દીઠ યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં 1,59,941ની અરજીઓનો નિકાલ સ્થળ પર જ કરી દેવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમમાં મળેલી અરજીઓના હકારાત્મક નિકાલનું પ્રમાણ 99.95 ટકા રહ્યું છે. રાજ્ય સરકારની નીતિ વિષયક બાબતોને લગતી માત્ર 4 અરજીઓ જ પડતર રહી છે.
સેવા સેતુ કાર્યક્રમમાં તાલુકાદીઠ અરજીઓના હકારાત્મક નિકાલના આંકડા જોઈએ, તો દાહોદ તાલુકામાં 45,627, ફતેપુરા તાલુકામાં 27,152, ઝાલોદ તાલુકામાં 20,849, દેવગઢ બારિયા તાલુકામાં 14,866, ગરબાડા તાલુકામાં 13,391, લીમખેડા તાલુકામાં 11,678, ધાનપુર તાલુકામાં 11,281, સંજેલી તાલુકામાં 8,112 અને સંજેલી તાલુકામાં 6,913 અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.
સમગ્ર જિલ્લામાં માત્ર 68 અરજીઓનો નિકાલ કરી શકાયો ન હતો. તેની પાછળનું કારણ યોગ્ય દસ્તાવેજોનો અભાવ છે. નગરપાલિકાના વિસ્તારમાં લોકોની અરજીઓની સ્થિતિ તપાસીએ, તો ઝાલોદ નગરપાલિકામાં 3,131, દેવગઢ બારિયા નગરપાલિકામાં 782 અને દાહોદ નગરપાલિકામાં 1,325 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. નગરપાલિકા વિસ્તારોના સેવા સેતુના કુલ 25 કાર્યક્રમો યોજાયા હતા. નગરપાલિકાઓના સેવાસેતુ કાર્યક્રમમાં મળેલી તમામ અરજીઓ એટલે કે 100 ટકા અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.
સેવા સેતુના આ પાંચમાં તબક્કામાં સૌથી વધુ અરજીઓ મહેસુલ વિભાગને લગતી હતી. જેમાં મુખ્યત્વે સાત-બાર અને આઠ બારના ઉતારા મળવા બાબતની રહી હતી. સેવા સેતુ દરમિયાન કુલ 59,183 લોકોને આ નમૂનાઓ આપવામાં આવ્યા હતા. 11,703 લોકોને મિલકત આકારણીના ઉતારા આપવામાં આવ્યા હતા. 8,986 લોકોને આવકના દાખલા આપવામાં આવ્યા હતા. જિલ્લાની 2467 વિધવા મહિલાઓને ગંગા સ્વરૂપ બહેનોને સહાય યોજનાનો લાભ મળ્યો છે. એ જ રીતે 538 અરજદારોને વૃદ્ધ નિરાધાર યોજના અને 380 વૃદ્ધોને પેન્શન સહાયનો લાભ સેવા સેતુના માધ્યમથી મળ્યો છે.
સેવા સેતુ કાર્યક્રમનો રાજ્ય વ્યાપી પ્રારંભ દાહોદ જિલ્લાના અંતેલાથી કરાવતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમ નાના માણસોનો મોટો કાર્યક્રમ છે. તે વાત અહીં ચરિતાર્થ થાય છે. દાહોદ જિલ્લામાં 4,270 લોકોના આધાર કાર્ડ માટે નોંધણી થઇ, 10,718 લોકોની રાશન કાર્ડમાં દાખલ કરવાની અરજીઓનો નિકાલ થયો. 858 દિવ્યાંગોને દિવ્યાંગતા પ્રમાણપત્રો આપવામાં આવ્યા. 5,329 લોકોની લોહીના દબાણ. અને મધુપ્રમેહની ચકાસણી કરવામાં આવી હતી.
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ સારવારના કેમ્પ પણ યોજાયા હતા. જેમાં 5,043 પશુઓને સારવાર આપવામાં આવી હતી. 2,455 પશુઓને ગાયનેકોલોજીકલ અને 576 પશુઓને સર્જીકલ સારવાર અપવામાં આવી હતી. 10,199 પશુઓને ડિવર્મિંગ અને 10,893 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આમ સેવા સેતુ કાર્યક્રમના પાંચમા તબક્કા દરમિયાન લોકોના સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈને કરવા પડતા કામોનો ઘર આંગણે જ નિકાલ આવ્યો હતો.