દાહોદ: રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલા દાહોદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ઝાલોદ પંથકમાં 7 mm અને ધાનપુરમાં 1 mm વરસાદ વરસતા લોકોએ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો હતો.
ત્રણ રાજ્યોની ત્રિભેટે આવેલા દાહોદ જિલ્લાના ઝાલોદ અને ધાનપુર તાલુકામાં ચોમાસુ ઋતુના પ્રથમ વરસાદે શ્રીગણેશ કર્યા છે. સાંજ અને રાત્રીના સમયે કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે આકાશને ઘેરીને પવન અને વીજળીનાં કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. સાંજે શરૂ થયેલા વરસાદને કારણે ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા હતા. તેમજ વર્ષારાણીના આગમનના કારણે ખેડૂતો વાવેતર પૂર્વેની તૈયારીઓ કરવામાં જોતરાયા છે.
જિલ્લાના નવ તાલુકામાંથી ફક્ત મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલા ઝાલોદ તાલુકામાં 7 mm વરસાદ વરસ્યો હતો. જ્યારે મધ્યપ્રદેશની સરહદે આવેલા ધાનપુર તાલુકામાં 1mm વરસાદ વરસવા પામ્યો છે. જ્યારે જિલ્લાના સાત તાલુકાઓમાં ચોમાસુ વરસાદનું આગમન થવાનું બાકી છે. જિલ્લામાં વર્ષાઋતુનું આગમન થવા છતાં પણ હજુ વધુ ખેતીલાયક વરસાદની ધરતીપુત્ર રાહ જોઈ રહ્યા છે. સારો વરસાદ થયા પછી જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર શરૂ થશે.