આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ લોકસભા મત વિસ્તારની બેઠકમાં દાહોદ જિલ્લાની 6 વિધાનસભા તેમજ મહિસાગર જિલ્લાની સંતરામપુર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. 7 વિધાનસભા પૈકી 4 વિધાનસભામાં કોંગ્રેસી ધારાસભ્યો વિજયી બનેલા છે. જ્યારે 3 બેઠક પર ભાજપના ધારાસભ્ય પ્રભુત્વ ધરાવે છે. આમ, લોકસભા મતવિસ્તારમાં આવતી 7 વિધાનસભા બેઠકો માથી 3 બેઠકો પર સૌથી વધુ લીડ સાથે કોંગ્રેસના ધારાસભ્યો જીત મેળવી હતી. જ્યારે દેવગઢ બારીયા વિધાનસભા બેઠક પરથી જ ભાજપને વધુ લીડ મળી હતી. જેથી જિલ્લાના મતદારોને આંકડાકીય ગણતરી કરતા સાત વિધાનસભામાં સૌથી વધુ મત કોંગ્રેસને મળ્યા છે. હાલ જિલ્લામાં કોંગ્રેસ તરફી માહોલ પણ હોવાના કારણે કોંગ્રેસના નિરીક્ષકો દાહોદ લોકસભા બેઠકને A ગ્રેડમાં મૂકી જીતનો દાવો કરી રહ્યા છે.
કોંગ્રેસનો ગઢ ગણાતી દાહોદ લોકસભા બેઠક પર હાલના આદિજાતિ પ્રધાન જશવંતસિંહ ભાભોર વિજય થયેલા છે. તેમજ તેઓ વર્તમાન ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ હોવા છતાં પણ બેઠક કોંગ્રેસ માટે સિક્યોર ગણાઇ રહી છે. દાહોદ બેઠક પર કોંગ્રેસના માજી ધારાસભ્ય ડૉ. પ્રભાબેન તાવિયાડ, દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઝાલોદના માજી ધારાસભ્ય ડૉ. મિતેશ ગરાસીયા, ગરબાડાના વર્તમાન ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, ફતેપુરા વિધાનસભાના માજી ધારાસભ્યના પુત્ર અને શિક્ષક સંઘના માજી પ્રમુખ રમેશભાઈ મછાર, ઝાલોદના ધારાસભ્ય ભાવેશભાઈ કટારાએ પણ પ્રદેશ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી છે.
દાહોદ બેઠક પર ભાજપના સાંસદ તરીકે બે વાર ચૂંટાઇ આવેલા બાબુભાઈ કટારા પણ આ વખતે કોંગ્રેસમાંથી ટિકિટનો દાવો કર્યો છે. આમ, ૧૩ જેટલા ઉમેદવારો કોંગ્રેસના દાવેદાર બન્યા છે. જેમાં દાહોદ બેઠક પર ડૉ. પ્રભાબેન તાવિયાડ, ડો.મિતેશ ગરાસીયા અને માજી સાંસદ બાબુભાઈ કટારા તેમજ તેમના પુત્ર અને હાલના ધારાસભ્ય ભાવેશભાઈ કટારા ટિકિટ માટે હોટ ફેવરિટ ગણવામાં આવી રહ્યા છે. ભાજપમાંથી બળવો કરી રાતોરાત કોંગ્રેસનો ખેસ ધારણ કરીને ઝાલોદ બેઠક પર બહુમતીથી વિજેતા થનાર કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારા સાથે તેના પિતાનું નામ ચર્ચામાં છે.
કોંગ્રેસનો ગઢ ગણાતી દાહોદ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડને કારમો પરાજય આપી કેસરીયો ધ્વજ જશવંતસિંહ ભાભોરે ફરકાવ્યો હતો. જશવંતસિંહ ભાભોર સાંસદ બન્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કેન્દ્રના રાજ્યકક્ષાના આદિજાતિ પ્રધાન બનાવતા જિલ્લામાં વિકાસના કામોને વેગ મળ્યો હતો. દાહોદમાં નર્મદા અને કડાણાથી સિંચાઇ માટેના પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી પૂરજોશમાં શરૂ થઇ છે. શહેરમાં સ્માર્ટ સિટીનું કામ પણ વેગવંતુ બન્યું છે
એસ.ટી અનામત ગણાતી દાહોદ લોકસભાની બેઠક પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા પ્રચાર અને પ્રસાર વેગવંતો બનાવ્યો છે. ભાજપ જિલ્લામાં વિકાસ કામો દ્વારા મતદારોને સમજાવવાનો પ્રયાસ કરવાની છે. તો બીજીબાજુ અનામત, રોજગારી અને જંગલ જમીન મુદ્દે ભાજપ સામે વિરોધનો સુરનો સામનો કરવો પડી શકે છે. કોંગ્રેસ પાસે પણ ઘણા મુદ્દા છે. પરંતુ જો કોંગ્રેસ રણનીતિ સાથે યોગ્ય ઉમેદવારની પસંદગી મેદાનમાં ઉતારે તો દાહોદ બેઠક પર કાંટાની ટક્કર રહેશે.