દાહોદઃ કોરોના મહામારીએ જિલ્લાના ફતેપુરા નગરમાં દસ્તક દીધા બાદ તંત્ર દ્વારા તેની સાવચેતીના પગલારૂપે વિવિધ ગાઇડલાઇન મુજબ પગલા ભરવામાં આવી રહ્યા હોવા છતાં પણ નગરજનોની નિષ્કાળજીના કારણે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી ફતેપુરા પ્રશાસન દ્વારા સરકારની ગાઇડ લાઇનનો કડક અમલ કરાવવા માટે રોડ પર ઉતરવાની ફરજ પડી હતી.

કોરોના મહામારીમાં લોકોને નિયમોનું અમલ કરાવવામાટે મામલતદાર એન. આર. પારગી, નાયબ મામલતદાર વિપુલ ભરવાડ, પી.એસ.આઇ સી બી બરંડા, નાયબ તાલુકા વિકાસ અધિકારી તાવિયાડ અને આરોગ્ય શાખાની સંયુક્ત ટીમ દ્વારા નગરમાં માસ્ક વિના ફરી રહેલા લોકો તેમજ માસ્ક વિના વેપાર કરી રહેલા વેપારીઓ સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવ્યા હતા.

નગરમાં વેપારી સહિત 14 લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી વ્યક્તિ દીઠ એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. આ દંડાત્મક કાર્યવાહીની વાત નગરમાં વાયુવેગે પ્રસરી જતા વેપારીઓ અને નગરજનોમાં ફફડાટ વ્યાપ્યો હતો અને લોકો માસ્ક પહેરીને ફરતા મળ્યા હતા. ત્યારબાદ આ ટીમ દ્વારા ફતેપુરા અને કરોડિયા પૂર્વ ગામના કન્ટેન મેન એરીયાની પણ મુલાકાત લેવામાં આવી હતી. મામલતદાર એન આર પારગીની ટીમ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને ચહેરા પર ફરજિયાત માસ્ક પહેરી રાખવા માટેની સમજણ આપવામાં આવી હતી.