દાહોદ : જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકા પંથકમાં આવેલા જંગલોમાં જંગલી પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. આ વન્ય જીવોમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓ શિકારની શોધમાં રહેણાંક વિસ્તાર તરફ આવી જતા હોય છે. દેવગઢ બારિયા તાલુકાના મોટી ઝરી ગામના રહેવાસી રમેશભાઈ ભૂરાભાઈ પટેલ બપોરના સમયે ખેતરમાં પાણી વાળી રહ્યા હતા.
તેવા સમયે એકાએક જંગલી દીપડો ધસી આવ્યો હતો. તેમજ રમેશભાઈની એકલતાનો લાભ લઇ તેમની ઉપર હુમલો કર્યો હતો. એકા એક હિંસક દીપડાના હુમલાના કારણે ડઘાઇ ગયેલા રમેશભાઈ બચાવ માટે બૂમાબૂમ કરી હતી, ત્યારે દીપડાએ રમેશભાઈના હાથ અને પીઠના ભાગે હુમલો કરતા તે ઇજાગ્રસ્ત થયા હતા.
હુમલાને પગલે બચાવવાની બુમ સાંભળીને આસપાસના લોકો દોડી આવતા દીપડો જંગલમાં નાશી છૂટ્યો હતો, ત્યારબાદ ઇજાગ્રસ્ત રમેશભાઈને ગ્રામજનોએ 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.