દાહોદ: દેવગઢ બારીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અનામત બેઠકોની ફાળવણીમાં સામાજીક શૈક્ષણિક રીતે પછાત વર્ગને અન્યાય થયો હોવાની રજૂઆત સાથે અખીલ ભારતીય કોળી સમાજ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી ન્યાયની માગણી કરી હતી.
દાહોદ જિલ્લા અને તાલુકા પંચાયતોના મતદાર મંડળની બેઠકોની ચૂંટણી માટે મતદાર મંડળની રચના સીમાંકન તથા અનામત બેઠકો સહિતની ફાળવણી કરવામાં આવી છે. દેવગઢ બારીયા તાલુકામાં 75.13 ટકા લોકો OBC વર્ગના રહેવાસી છે. જોકે છતાં પણ ટિકિટ ફાળવણીના નવા જાહેર થયેલા લિસ્ટમાં જિલ્લા પંચાયતની એક પણ ટિકિટ OBC બોર્ડને ફાળવવામાં આવી નથી. તથા દેવગઢ બારીયા તાલુકા પંચાયતની માત્ર ત્રણ તાલુકા સીટ બક્ષીપંચ અનામત જાહેર કરેલા છે.
જે OBC સમાજને હળાહળ અન્યાય સમાજ ગણાવી ન્યાયની માગણી સાથે જિલ્લા કલેકટરને સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર, દેવગઢ બારીયા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ 28માંથી 14 તાલુકા પંચાયત સીટ અનુસુચિત જાતિ અનામતની સામે કોળી સમાજે વાંધો દર્શાવ્યો છે. સામાજીક અન્ય શૈક્ષણિક રીતે પછાત વર્ગની વસ્તીનું બાહુલ્ય હોવા છતાં અન્ય જાતિના અનામત તરીકે બેઠક જાહેર કરવાથી સમાજમાં ખુબ મોટો વિરોધનો જુવાળ ઉઠેલ છે, તેટલું જ નહીં વસ્તીની બહુલતાવાળા સમાજને જનપ્રતિનિધિત્વ પ્રાપ્તના થાય તો તેની વિપરીત અસર દેવગઢ બારીયા તાલુકામાં પડે તેમ જણાવ્યું હતું.
દેવગઢ બારીયા તાલુકામાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની વસ્તી 75.13 ટકા જેટલી છે અને તેમને માત્ર ત્રણ આંકલી, બૈણા અને બારા આ અનામત સીટ જાહેર કરી છે. બાકીની 10 સીટ સામાન્ય જાહેર કરેલા છે અને અનુસુચિત જાતિની પીપલોદને એક સીટ જાહેર કરેલા છે. વસ્તીની ટકાવારીના ધોરણે કુલ -28 તાલુકા પંચાયત સીટમાંથી સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને 20 સીટ મળવાપાત્ર છે. તો આ સમાજને રાજકીય ન્યાય મળે તેમ દેખાઈ આવે છે, તો કોળી સમાજની વસ્તીની ટકાવારીના ધોરણે 20 સીટને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની અનામત તરીકે જાહેર કરવા અને તથા તેમાં નિયમોનુસાર સ્ત્રી અનામત જાહેર કરવા આવેદનપત્રમાં રજૂઆત કરી હતી.