દાહોદ : આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દેવગઢ બારીયાના PSI સી.આર. દેસાઈને બાતમી મળી હતી કે, દેવગઢ બારીયાના નજીક આવેલા વિરોલ ગામે નિશાળ ફળિયામાં રહેતા પર્વત કાળુભાઈ બારીયાએ તેમના ખેતરમાં કપાસ અને તુવેરના વાવેતર સાથે આડમાં ગાંજાનું વાવેતર કર્યુ છે. જે આધારે દેવગઢ બારીયા પોલીસ અને દાહોદ SOG એ પોતાની ટીમ સાથે વીરોલ ગામના આ ખેતરમાં રેડ પાડી તપાસ હાથ ધરી હતી.
દાહોદ જિલ્લો સ્પેશ્યિલ ઓપરેશન ગ્રૂપ દ્વારા નાર્કોટિક્સ સામે ઝુંબેશ ચલાવી રહ્યો છે. ઝુંબેશ અંતર્ગત દેવગઢબારિયા પોલીસ સ્ટેશનના સિનિયર PSI સી. આર. દેસાઈ ને માહીતી પ્રાપ્ત થઇ કે દેવગઢ બારીયાના વિરોલ ગામે એક ખેતરમાં ગાંજાનું વાવેતર હોઈ શકે બાતમીના આધારે તેમની ટીમ દ્વારા ટેકનિક એનાલિશ કરી સંપૂર્ણ તૈયારી કરી કાયૅવાહી કરતા આશરે 474 કિલો ગાંજાના લીલા છોડ પ્રાપ્ત થયા છે, જેની કિંમત 47,48,500 થવા પામે છે. જેમાં આરોપી પર્વત કાળુભાઇ બારીયાની ધરપકડ કરવામા આવી છે. વર્તમાન સમયમાં શોશિ્યલ મીડિયા અને સિનેમામાં બતાવવામાં આવતા નશાની ખેતી અભણ ખેડૂતોને ગેર માર્ગે દોરી જાય છે. - રાજદીપસિંહ ઝાલા DSP
ગેરકાયદેસર ગાંજો પકડાયો : ખેતરમાં કપાસ અને તુવેરના વાવેતરની વચ્ચે ગેરકાયદેસર રીતે ઉગાડેલા 702 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. વિરોલ ગામે સ્થળ પર એફએસએલ ને બોલાવીને તમામ છોડનું પરીક્ષણ કરાયું હતું. જેમાં એફએસએલ પરીક્ષણ બાદ તમામ છોડ ગાંજાનું હોવાનું જાણવા મળેલ હતું. ત્યારબાદ પોલીસે 702 છોડવાઓનું વજન કરી રુપિયા 47,48,500 નો ગાંજો કબજે લઇ સીલ કર્યો હતો. ત્યારબાદ પર્વત કાળુભાઇ બારીયાની અટકાયત કરી NDPS એકટ 1985ની કલમ 20(એ)(1)(2) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.