- દાહોદના પ્રાંત અધિકારી દિનેશભાઇ હડીયલનું કોરોના સંક્રમણથી અવસાન
- જિલ્લા સેવા સદન ખાતે અધિકારીઓ, કર્મચારીઓએ આપી શ્રદ્ધાંજલિ
- 17 દિવસ સુધી કોરોનાનો સામનો કર્યા બાદ અંતિમ શ્વાસ લીધા
દાહોદ : જિલ્લાના લીમખેડા તાલુકાના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી હડીયલનો ગત તા. 19 નવેમ્બરના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેમાં તેઓએ 17 દિવસ સુધી કોરોનાનો સામનો કર્યા બાદ અંતિમ શ્વાસ લીધા હતા.
બે મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ
પ્રાંત અધિકારી ડી.કે. હડીયલે વર્ષ 2005માં તાલુકા વિકાસ અધિકારી તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ગત તા. 9 નવેમ્બરે તેમને એડીશનલ કલેક્ટર તરીકે બઢતી મળી હતી. તાલુકામાં ફ્રન્ટલાઇન કોરોના વોરિર્યસ તરીકે તેઓએ ઉમદા કામગીરી કરી હતી. પ્રાંત અધિકારી ડીકે હડીયલનું અવસાન થતાં જિલ્લા કલેકટર વિજય ખરાડી તેમજ કલેકટર કચેરીની ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા જિલ્લા સેવા સદનના પટાંગણમાં બે મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેમાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ પ્રાંત અધિકારીના નિધન માટે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ શોકસંતૃપ્ત પરિજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી છે.