દાહોદઃ જિલ્લાના ધાનપુર, દે.બારિયા અને ફતેપુરા તાલુકામાં એક પછી એક એમ દીપડાના અનેક હુમલા વધવા લાગ્યા છે. આ અગાઉ બે દિવસ પહેલા ફતેપુરા જંગલોમાં ખેતરમાં કામ કરી રહેલા વ્યક્તિઓ પર દીપડાએ હુમલા કર્યો હતો અને એક યુવકની આંખ પણ ફોડી નાખી હતી.
દેવગઢ બારિયા અને ધાનપુર સહિત વિસ્તારોમાં દીપડાઓના માનવ વસ્તીમાં ઘૂસી હુમલા કરવાના બનાવોમાં નોધપાત્ર વધારો થવા લાગ્યો છે. ધાનપુર તાલુકાના આમલીમેનપુર ગામના ભગત ફળિયામાં રહેતા રૈલેશભાઈ (બાળક) દિતાભાઈ પલાસ ઘરના આંગણે બેઠાં હતાં, ત્યારે જંગલ તરફથી આવેલા દીપડાએ બાળકને ગળાના ભાગે પકડી લઇ 100 મીટર જેટલું ઢસડતા પરિવારના લોકોએ બૂમાબૂમ કરતા દીપડો બાળકને છોડી ભાગી ગયો હતો.
બાળકને ગળાના ભાગે ઈજાઓ થતા 108 મારફતે નજીકની દાહોદ અને ત્યાર બાદ વડોદરા ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ સ્થાનિક વનવિભાગને થતા વનવિભાગના અધિકારી દોડી આવ્યા અને દીપડાને પકડવા માટે અનેક જગ્યાએ પાંજરા મૂકવાની તજવી હાથ ધરવામાં આવી છે.