દાહોદ: જિલ્લો બોર્ડર વિસ્તાર હોવાથી ચોરી કરતા તસ્કરો ગુનાને અંજામ આપી રાજસ્થાન, મધ્યપ્રદેશમાં સાપની જેમ સરી જતાં હોય છે. જેને ધ્યાનમાં રાખીને હાલ નાતાલ પર્વ નજીક આવતો હોવાથી નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા દાહોદ એલસીબી ટીમ સતત પેટ્રોલિંગ પર છે.
બાઈક પર આવેલા ત્રણ આરોપીઓની ધરપકડ: ગરબાડા તાલુકાના મીનાક્યાર ચેક પોસ્ટ પર દાહોદ એલસીબી કાર્યરત હતી. તે દરમિયાન બે બાઈક પર શંકાસ્પદ રીતે આવેલા ત્રણ શખ્સો પોલીસને જોઈ ભાગવા જતાં તેઓને ઝડપી પાડી દાહોદ LCB દ્વારા પૂછપરછ કરતાં શંકાસ્પદ જણાતા આવતા પોલીસે પુછપરછ કરી તપાસ કરતાં બે ડિસમિસ એક કટર મળી આવ્યું હતું. સાથે જ ત્રણેય યુવકો જે બાઈક પર આવ્યા હતા તે બાઇકની ચેસીસ નંબરના આધારે ઈ ગુજ કોપ એપ્લિકેશનમાં તપાસ કરતા બાઈક બોડેલી તાલુકામાં ચોરી થયેલી હોવાનું સામે આવ્યું હતું.
41થી પણ વધુ ગુનાઓને અંજામ: પોલીસ દ્વારા ત્રણેયને વધુ તપાસ હાથ ધરતાં બીજી બે બાઈક ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામે આવેલા જંગલના કોતરમાં છુપાવી હોવાનુ કહેતા પોલીસે બન્ને બાઈકો સ્થળ પરથી કબ્જે કરી હતી. પુછપરછ દરમિયાન આરોપીઓએ રાજસ્થાનમાં સજ્જનગઢ, મધ્ય પ્રદેશમાં ઇન્દોર તથા ગુજરાતમાં છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, લીમખેડા, રાજકોટ, વડોદરા, નર્મદા મળી કુલ 41થી પણ વધુ ઘરફોડ તથા બાઈક ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.
'દાહોદ એલસીબીને બાતમી મળી હતી કે આપસિંગ બામણીયા, હીરાસિંગ બામણીયા, સુનિલ બામણીયા આ ત્રણે જણા ગુનો કરવાના ઇરાદે જઈ રહ્યાં છે. આરોપીઓ કે જે કરચટ ધાર જિલ્લાના મઘ્યપ્રદેશના રહેવાશી છે. ત્રણેયને રોકી તેમની તપાસ કરતાં તેમની પાસેથી એક લોખંડની કટર, એક મોટું સ્ક્રુ ડ્રાઈવર, એક નાનું સ્ક્રુ ડ્રાઈવર તમામ વસ્તુઓ નવી ખરીદેલી જે ગુનાને કામે આરોપી વાપરતા હોય છે. જેના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓને દાહોદ એલસીબી ખાતે લાવી પુછપરછ હાથ ધરતા 41 ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આરોપીએ જે જગ્યાએ ગુના કર્યા છે તે જિલ્લામાં કસ્ટડી સોંપવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. - રાજદીપ સિંહ ઝાલા, દાહોદ ડીએસપી
ત્રણેય આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ: આરોપી સુનીલ નવલસિંહ બામનિયા જે ભરૂચ જિલ્લામાં વોન્ટેડ હતો. જ્યારે બીજો આરોપી આપસીંગ ભવાંસિંગ બામણીયા દાહોદ ગોધરા તથા મઘ્ય પ્રદેશના ઇન્દોરના આઝાદ નગરમાં વોન્ટેડ હોવાનુ જાણવા મળ્યું હતું. ત્રીજો આરોપી હિરાસિંગ ભુવાનસિંગ બામણીયા રાજકોટ શહેર પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આમ ત્રણેય ચોરોએ દાહોદ જિલ્લામાંથી 30થી ગુના, મઘ્ય પ્રદેશમાં આશરે 9 ગુના તથા રાજસ્થાનમાં 2 ગુનાને અંજામ આપ્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.