દાહોદ : જિલ્લામાં કોરોના મહામારીના સંક્રમણની સાપ્તાહિક સમીક્ષા અંગે જિલ્લા સમાહર્તા વિજય ખરાડીએ જણાવ્યું કે, અત્યાર સુધી જિલ્લામાં કુલ 1,08,725 જેટલા કોવિડ ટેસ્ટ માટે નમૂના લેવાયા છે. જેમાંથી 1,06,805 ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવ્યું છે. જ્યારે 1635 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 1493 લોકો સ્વસ્થ થઇને રજા મેળવી ચૂકયા છે. જિલ્લામાં હાલના તબક્કે એક્ટિવ કેસોની સંખ્યા 71 છે. ગઇકાલે 5 કેસો પોઝિટિવ આવતા કુલ પોઝિટિવ ૦.૬૬ ટકા જેટલો થાય છે.
તેમણે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો રીકવરી રેટ જોઇએ તો 91.31 ટકા છે. ઉપરાંત એક્ટિવ કેસોની સંખ્યાનું પ્રમાણ જોઇએ તો 4.34 ટકા છે. જે દેશ અને રાજયના એક્ટિવ કેસોના પ્રમાણ કરતા ખાસ્સું ઓછું છે. કંમ્પાઉન્ડિગ ડેઇલી ગ્રોથ રેટ 0.40 ટકા છે. આ ઉપરાંત જિલ્લામાં કોરોના સંક્રમણ બમણું થવાનું પ્રમાણ 55 દિવસનું થયું છે. જ્યારે ડોર ટુ ડોર સર્વે માટે 1496 જેટલી ટીમો સઘન રીતે જિલ્લામાં શહેરોથી લઇને ગામેગામ કામગીરી કરી રહી છે. આ ટીમ દ્વારા દરરોજના 42 હજારથી પણ વધુ ઘરોનો સર્વે કરવામાં આવે છે. જિલ્લામાં ધન્વતંરી રથની કામગીરી પણ ખૂબ નોંધપાત્ર છે. જિલ્લામાં 55 ધન્વતંરી રથ છે. જેમાં પ્રત્યકે રથ દ્વારા સરેરાશ 152 જેટલા લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. એટલે કે, રોજેરોજ કુલ 8360 લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત આપણી પાસે એન-95 માસ્ક, પીપીઇ કીટ, હેન્ડ સેનેટાઇઝર, દવા વગેરેનો પૂરતો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે.
છેલ્લા બે મહિનામાં 200થી પણ વધુ લોકોનું કોરોનાના કેસ દીઠ કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું છે. હાલના તબક્કે જિલ્લામાં દરેક કોરોના કેસ દીઠ 225 જેટલા લોકોનું કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત અક્ટિવ કન્ટેઇનમેન્ટ ઝોન આજની સ્થિતિએ 107 છે. તેમજ જિલ્લાને કોરોના સંક્રમણને કાબૂમાં રાખવામાં નોંધપાત્ર સફળતા મળી છે.