દાહોદ: લોકડાઉન દરમિયાન બેંકોની કામગીરી પણ સતત ચાલું રહી છે. કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય જાહેર કરવામાં આવી હતી. જેનો લાભ વિલંબ વિના લાભાર્થીને મળે તે માટે બેંક કર્મચારીઓ દ્રારા મહેનત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ કરવામાં આવેલા ચૂકવણીની વિગતો જોઇએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળના મહિલા ખાતા ધારકોને રૂ. 500 આપવાની જાહેરાત કર્યા બાદ દાહોદ જિલ્લામાં આવા ખાતાધારક 463000 મહિલાઓને રૂ. 4630 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
જ્યારે ફૂડ સિક્યુરીટી પેટે દાહોદ જિલ્લાના 246000 બાળકોને રૂ. 546 લાખ ચૂકવવામાં આવ્યા હોવાનું લીડ બેંકના મેનેજર રજનીકાંત મુનિયાએ જણાવ્યું હતું. આ ઉપરાંત, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બીપીએલ કાર્ડધારકોને રૂ. એક હજારની સહાય ચૂકવવાની ઘોષણા કર્યા બાદ જિલ્લામાં આવા 253000 ખાતાધારકોને રૂ. 2530 લાખનું ચૂકવણી કરવામાં આવી છે. તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રૂ. બે હજારના એક હપ્તા પેટે જિલ્લા 190000 ખેડૂતોને રૂ. 3800 લાખનું ચૂકવણી કરવામાં આવી છે. સરકાર દ્વારા સંચાલિતા છાત્રાલયોમાં રહી અભ્યાસ કરતા 7412 છાત્રોને રૂ. 106 લાખની ચૂકવણી કરવામાં આવી છે.
આ આંકડા એવા છે, જેમાં લાભાર્થીઓએ પોતાના ખાતામાં જમા થયેલી સહાયનો ઉપાડ કર્યો છે. અત્યાર સુધીમાં 11,71,412 લાભાર્થીઓએ બેંકોમાંથી આ રકમ ઉપાડી છે. દાહોદ નગરમાં આવેલી ચાકલિયા રોડ સ્થિત બેંક ઓફ બરોડામાં સૌથી વધુ 70 હજાર બચત ખાતા છે.