દાહોદ: જિલ્લામાં છેલ્લા બે દિવસથી પવન અને ગાજવીજ સાથે વરસી રહેલા મુશળધાર વરસાદના પગલે જિલ્લામાં આવેલા નાના-મોટા નદી-નાળાઓ અને તળાવ છલકાઈ ગયાં છે. જિલ્લામાં સવારથી મેઘ મહેર અવિરત વરસવાના કારણે જિલ્લામાં આવેલી પાનમ, કબુતરી, માછણ, કાળી, ખાન નદી સહિત વિવિધ નદીઓમાં ઘોડાપૂર વહેવા માંડી હતી. જેના કારણે જિલ્લામાં આવેલા માછણ, નાળા, પાટાડુંગરી, ઉમરીયા, કબુતરી, અદલવાડા, વાકલેશ્વર, ઉમરીયા અને હડપ ડેમમાં નવા નીર મોટી માત્રામાં આવ્યા હતા.
જ્યારે જિલ્લામાં આવેલા કબુતરી, ઉમરીયા, માછણ, નાળા, કાળી-2 ડેમો ઓવરફલો થતા તેમના નીચાણવાળા વિસ્તારોના ગામોને વહીવટી તંત્ર દ્વારા સાબદા કરાયા છે. જ્યારે પાટાડુંગરી, અદલવાડા, વાલેશ્વર ડેમ, છલકાવામાં ફક્ત એકથી દોઢ ફૂટની વાર છે.
દાહોદ જિલ્લામાં 24 કલાક દરમિયાન ગરબાડા તાલુકામાં 66 mm, ઝાલોદ તાલુકા 60 mm, દેવગઢ બારીયા તાલુકામાં 29 mm, દાહોદ તાલુકામાં 55 mm, ધાનપુર તાલુકામાં 72 mm, ફતેપુરા તાલુકામાં 87 mm, લીમખેડા તાલુકામાં 52 mm, સંજેલી તાલુકામાં 62 અને સિંગવડ તાલુકામાં 63 mm વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લામાં 24 કલાક દરમિયાન કુદરતી આપદાનો કોઈ બનાવ બનવા નહીં પામતા તંત્રે રાહત અનુભવી હતી.