દાહોદ: વરસાદની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ત્યારે દાહોદમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે દૂધીમતી નદી બે કાંઠે વહેતા છાબ તળાવ ઓવરફ્લો થયું હતું. ભારે વરસાદના કારણે રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી બાજુ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
"જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદના હાઈ એલર્ટને પગલે ડિઝાસ્ટર તાત્કાલિક બેઠક બોલાવી હતી. ભારે વરસાદને કારણે લોકોને નદી નાળા અને મોકલાવામાં પસાર થવાની આગમચેતી સૂચના આપવામાં આવી હતી"-- હર્ષિત ગોસાવી (દાહોદ કલેક્ટર)
બે કાંઠે વહેવા લાગ્યા પાણી: છાબ તળાવ થતા તથા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દૂધીમતી નદીમાં બે કાંઠે વહેતા પાણી વહેવા લાગ્યા હતા. જેના કારણે રસ્તા બંધ કરી દેવાયા હતા. સંજેલી ઝાલોદ તરફ જતા કદવાલ ગામ પાસેની નદીના પાણી પુલ પર વહેતા થયા હતા. ધોધમાર વરસાદના પગલે સંજેલી તાલુકાના જીતપુરા ગામ પાસેથી પસાર થતી નદીના પાણી પુલ પરથી વહેતા થવાને લઈને રસ્તાઓ બંધ કરાયો હતો. ભારે વરસાદને કારણે જિલ્લામાં ઠેર ઠેર રસ્તાઓ પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. અમુક ગામોમાં અવરજવર બંધ થઈ ગઈ હતા તથા વીજળી ગુલ થતાં અંધારપટ પર છવાઈ જવા પામ્યો હતો.
8 ઇંચથી વધુ વરસાદ: દાહોદ શહેરમાં સ્માર્ટ સિટીના ચાલતા કેટલાક કામોને લઈને તથા ઉબડ ખાબડ માર્ગોને કારણે ભૂગર્ભ ગટરના ખાડા ખુલ્લી ગટરો કચરાથી બ્લોક અને પાણીથી છલકાઈ જવાને કારણે મુશ્કેલી સામનો કરવો પડ્યો છે. દાહોદ પંથકમાં છેલ્લા 36 કલાકમાં ભારે પવન સાથે 8 ઇંચ થી વધુ વરસાદ ખાબકતા મકાઈનો પાક આડો પડી જવાથી ધરતીપુત્રોની ખેતીમાં ભારે નુકસાન થવા પામ્યું છે.