દાહોદ શહેરમાં ગણપતિજીનું વિસર્જન ચાલી રહ્યું હતું, ત્યારે શહેર સહિત જિલ્લાભરમાં મેઘરાજાએ સાંબેલાધાર વરસાદ વરસતા ઠેર ઠેર નદી નાળા અને તળાવો છલકાયા હતાં. દાહોદમાં સવાર સુધીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે નદી-નાળાઓ છલકાયા હતાં. દાહોદ શહેરમાં સવારના 6થી 8 વાગ્યા સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે પાણી પાણી જ જોવા મળી રહ્યું હતું.
ભારે વરસાદના પગલે શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓની નહિવત હાજરી જોવા મળતી હતી. તેમજ શાળાના વાહનો આજે રસ્તાઓ પરથી ગાયબ જોવા મળ્યા હતાં. શહેરના ગોદી રોડ વિસ્તારમાં આવેલ લક્ષ્મી પાર્ક સોસાયટી, ગરબાડા ચોકડી પર આવેલ આરટીઓ કચેરી, ભીલવાડા વિસ્તાર અને કસ્બા વિસ્તારમાં કેટલાક ઘરોમાં પાણી ભરાયા હતાં. જ્યારે શહેરના કસ્બા વિસ્તારમાં એક મકાન પણ ધરાશાહી થયું હતું. સદભાગ્યે કોઇ જાનહાનિ નહીં થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.