- દાહોદ જિલ્લા વિકાસ અધિકારીનું નવતર અભિયાન,"પંચાયત આપને દ્વાર"
- ગડોઇ ગામમાં પંચાયતના તમામ શાખા અધિકારીઓએ કેમ્પ કર્યો
- ગ્રામજનોને લગતા પ્રશ્નોનું નિરાકરણ
દાહોદઃ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક નવતર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. "પંચાયત આપને દ્વાર" નામના આ અભિયાન અંતર્ગત એક ગામમાં જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીઓ દ્વારા કેમ્પ કરી ગ્રામજનોને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
"પંચાયત આપને દ્વાર" કાર્યક્રમ યોજાયો
દાહોદ તાલુકાના ગડોઈ ગામમાં વિકાસ અધિકારી રચિત રાજની અધ્યક્ષતામાં "પંચાયત આપને દ્વાર" કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તમામ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી તથા તમામ શાખાધિકારીઓ જેવા કે, આરોગ્ય વિભાગ, સંકલીત બાળ વિકાસ વિભાગ, પંચાયત વિભાગના 14માં નાણાં પંચના કામો તથા 15માં નાણાંપંચના કામો, આત્મનિર્ભર યોજના, ખેતીવાડી વિભાગને લગતી યોજનાઓ, સિંચાઈ તેમજ માર્ગ–મકાન પંચાયત વિભાગના કામો, પશુપાલન વિભાગની તમામ યોજનાઓ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકની PMAY, નરેગા યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ખેતીવાડી વિભાગ દ્વારા લાભાર્થીઓને કીટ વિતરણ
સબંધિત વિભાગને લગતા ગામના લોકોના પ્રશ્નો બાબતે ચર્ચા કરી સ્થળ પર જ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો. ખેતીવાડી વિભાગ દ્વારા લાભાર્થીઓને કીટ વિતરણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગડોઇ ગામના આરોગ્ય વિભાગના સબ સેન્ટર, બાળ વિભાગ હસ્તકની આંગણવાડી તથા નંદઘરની મુલાકાત લીધી હતી. આ જગ્યાઓએ જણાવેલ ક્ષતિ બાબતે સબંધિત સ્ટાફ સામે તાત્કાલિક પગલા લેવા જણાવતા હાજર રહેલા કર્મચારી તથા અધિકારીઓમાં સોપો પડી ગયો હતો. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 14માં નાણાપંચના થયેલા કામો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મનરેગા યોજનાના કામોની પણ સ્થળ ચકાસણી કરી હતી અને લાભાર્થીઓ સાથે ચર્ચા કરી હતી.