દાહોદઃ જિલ્લામાં કોરોના પોઝિટિવના ત્રણ કેસો નોંધાયા છે, ત્યારે જિલ્લામાં કોરોના વધુ ન ફેલાય તે માટે જિલ્લામાં ફરજીયાત માસ્ક પહેરવાનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લામાં કોરોના વધુ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા અનેક મહત્વના નિર્ણયો લેવામા આવી રહ્યાં છે અને તેનું ચુસ્ત પણે અમલ કરવામાં આવી રહી છે.
જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ 18મી એપ્રિલના રોજ જાહેરનામું પસિદ્ધ કરીને નાગરિક હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જાહેરનામામાં જિલ્લાની મહેસુલી હદ વિસ્તારની તમામ વ્યક્તિઓએ જયારે ઘરની બહાર નીકળે ત્યારે અથવા જાહેર જગ્યાએ કે કામના સ્થળે હોય ત્યારે તેમણે ફરજિયાત ચહેરા ઉપર માસ્ક પહેરવાનો રહેશે.
તેમજ માસ્કની જગ્યાએ હાથરૂમાલ કે અન્ય સ્વચ્છ કપડાંનો ઉપયોગ પણ મોઢા અને નાકને યોગ્ય રીતે ઢાંકવા માટે કરી શકાશે. આ જાહેરનામું ત્રીજી મે સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શખ્સ સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે.