દેવગઢ બારીયા નગરપાલિકામાં સર્વે નંબર 104 પૈકી 1,2,3નું ઝોન સર્ટિફિકેટ માટે નગરપાલિકા સભ્ય ધર્મેશ કલાલ તેમજ નગરમાં વિપુલ પટેલ નગરપાલિકા ઓફિસમાં અરજી આપી હતી. આ અરજી સંદર્ભે ટાઉન પ્લાનર કુંજન બામણ તેમજ ચીફ ઓફિસર દવે ને અરજી બાબતે અવારનવાર ટેલિફોનિક તેમજ મૌખિક તપાસ કર્યા બાદ નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાલિકાના તમામ સ્ટાફની ઉપસ્થિતિમાં અરજદાર ધર્મેશ કલાલ અને વિપુલ પટેલ બંને ચીફ ઓફિસર દવે તેમજ ટાઉન પ્લાનર પાસે માગેલ ઝોન સર્ટીફીકેટ અંગે અપશબ્દો બોલી અભદ્ર વ્યવહાર કર્યો હોવાનો તમામ સ્ટાફ દ્વારા આક્ષેપ કર્યો હતો. સ્ટાફે આ બનાવ બાબતે વિરોધ દર્શાવી બન્ને સામે નિયમાનુસાર કાર્યવાહી થાય તેમજ સરકારી કર્મચારીઓને માન-સન્માન જળવાય તે માટે પ્રતિક હડતાલ પર ઉતરી જઈને કર્મચારીઓ તમામ પ્રકારની કામગીરીથી અળગા રહ્યા હતા. નગરપાલિકા પ્રમુખ તેમજ પ્રાંત અધિકારી અને આ બનાવ સંદર્ભે આવેદનપત્ર આપી હડતાલ ચાલુ રાખી હતી. તેમજ અભદ્ર વર્તન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી.