દાહોદ : વર્ષોથી ગણેશ વિસર્જનના દિવસે દાહોદમાં શ્રીજીની સવારી નગરભ્રમણ કરે છે. ત્યારે ગણેશજીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટતો હોય છે. આ વર્ષે ગણેશ વિસર્જનના દિવસે ઈદ-એ-મિલાદનો પર્વ છે. ઉલ્લેખનિય છે કે, ઈદના જુલુસમાં પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. જેમાં અસામાજિક તત્વોના ચેડાથી કોમી એખલાસ ન ડહોળાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.
શાંતિ સમિતિ બેઠક : એક જ દિવસે હિંદુ અને મુસ્લિમ સમાજના તહેવાર એકસાથે હોવાથી પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અને વહિવટી તંત્ર દ્વારા બંને કોમ વચ્ચે સલાહ-સૂચનો અને સમજદારી દાખવતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા આ વર્ષે ઈદે મિલાદનું જુલુસ શ્રીજીના વિસર્જનના બીજા દિવસે કાઢવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને દાહોદની તમામ સમાજ, વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા આનંદની લાગણી સાથે બિરદાવ્યો હતો.
જનતાને અપીલ : ગણપતિ વિસર્જન અને ઈદ-એ-મિલાદના જુલુસના અનુસંધાને જિલ્લા એસ.પી અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. એમાં અમુક સુચના જન હિતમાં આપવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે ગણપતિની મૂર્તિની નવ ફૂટ ઊંચી છે તો એ વીજળીના વાયરની વચ્ચે ન આવી જાય અને શોર્ટ સર્કિટ ન થાય તે માટે એમજી રોડથી પસાર કરવાની નથી. ગણપતિ વિસર્જન દરમિયાન પંડાલ મંડળ સાથે પોલીસના એક માણસ ફાળવવામાં આવશે. પોલીસ શરૂઆતથી અને અંત સુધી પંડાલની સાથે રહેશે. જો કોઈ પરેશાની થાય તો પોલીસનો માણસ તેનું સોલ્યુશન કાઢવામાં હેલ્પ કરશે. જેમાં નગરપાલિકા પણ સહયોગ આપી રહી છે.
ગણેશ વિસર્જન અને ઈદ-એ-મિલાદ એક જ દિવસે આવતા હોવાથી કોઈપણ વ્યક્તિ કે કોમને કોઈપણ પ્રકારે અગવડ ન પડે તથા કોઈ અન્ય અસામાજિક તત્વો કે રાજકીય પક્ષો સ્થિતિ પરિસ્થિતિનો લાભ ન લે તે માટે મુસ્લિમ સમુદાય દ્વારા સમજણ સાથે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મુસ્લિમ સમાજ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી કોમી એખલાસ જોવા મળી રહ્યો છે. -- વિશાખા જૈન (SSP)
ઐતિહાસિક નિર્ણય : સુલેહ શાંતિ અને ભાઈચારા માટે જાણીતા દાહોદમાં કોમી એખલાસ જળવાઈ રહે તથા કોઈ ત્રાહિત પક્ષ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ ન કરાય તે માટે મુસ્લિમ સમાજ દ્વારા અભુતપૂર્વ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. જેના બદલ સમગ્ર પંથકમાં આનંદની લાગણી સાથે આવકાર પ્રાપ્ત થઈ રહ્યો છે. જોકે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-એ-મિલાદનું જુલુસ ગણેશ વિસર્જનના બીજા દિવસે રાજમાર્ગો ઉપર નીકાળવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત ગણેશ વિસર્જનના દિવસે મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતી શ્રીજીની સવારીને આવકારવાની જાહેરાત કરવામાં આવી છે. જેનાથી તંત્રએ પણ રાહતની લાગણી વ્યક્ત કરી દાહોદમાં તમામ કોમની ભાવનાઓને બિરદાવી હતી.