પ્રદૂષિત હવામાં રજકણો ઉપરાંત, નાઇટ્રોઝન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા સ્વાસ્થ્ય માટે હાનિકારક ગેસ હોય છે. આ ગેસ વાહનના ધૂમાડા, ઉદ્યોગોમાંથી નીકળી હવામાં ભળે છે.
ઉક્ત ગેસનું પ્રમાણ હવામાં કેટલીક માત્રાથી વધે તો હાનિકારક છે. આ માટે કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા નેશનલ એમ્બિયન્સ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ નિયત કરવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, હવામાં કેટલાક ગેસનું નિયત માત્રાથી પ્રમાણ વધે તો નુકસાનકારક સાબિત થઇ શકે છે. દાહોદ નગરમાં વિવિધ 22 સ્થળે સ્માર્ટ પોલ લગાવવામાં આવ્યા છે. જેમાં હવાના પ્રદૂષણનું પણ મોનિટરિંગ કરવામાં આવે છે. આ સ્માર્ટ પોલ થકી પ્રાપ્ત થયેલા આંકડા દર્શાવે છે કે, દાહોદ નગરની હવામાં હાનિકારક ગેસની માત્ર સાવ નગણ્ય છે.
આ આંકડા જોઇએ તો દાહોદ નગરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સરેરાશ 100થી નીચે રહે છે. વળી, દાહોદની હવામાં પીએમ (પર્ટીક્યુલેટ મેટર) 2.5 પ્રકારના રજકણોનું પ્રમાણ વધારે છે. આ રજકણોની સાઇઝને સરળ ભાષામાં સમજીએ તો માથાના વાળની જાડાઇ કરતા પણ 2.5 ગણા નાના રજકણો ! આવા રજકણોનું પ્રમાણ સરેરાશ 60 મિલિગ્રામ પ્રતિ ક્યુબિક મિટરથી નીચે છે. નેશનલ એમ્બિયન્સ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ મુજબ આ પ્રમાણ 60 મિલિગ્રામ પ્રતિ ક્યુબિક મિટર નિયત કરવામાં આવ્યું છે. જ્યારે, એનાથી પણ નાના રજકણોને PM 10નું પ્રમાણ સરેરાશ 75 મિલિગ્રામ પ્રતિ ક્યુબિક મિટરથી નીચે છે. આ માટે નિયત માત્ર 100 છે.
દાહોદ નગરની હવામાં હાનિકારક ગેસનું પ્રમાણ જોઇએ ! નાઇટ્રોઝન ગેસનું પ્રમાણ તેની નિયત માત્રા 80 કરતા સાવ ઓછું એટલે કે, એકંદરે 25થી નીચે રહે છે. તેવી જ રીતે સલ્ફર ડાયોક્સાઇડની હવામાં પ્રમાણ 80 મિલિગ્રામ પ્રતિ ક્યુબિક મિટર છે. જેની સામે આ ગેસ દાહોદમાં 2થી પણ નીચે રહે છે. જ્યારે, કાર્બન મોનોક્સાઇડની માત્ર 4 નિયત કરવામાં આવી છે. તેની સાપેક્ષે દાહોદમાં આ હાનીકારક ગેસ માત્ર 0.50 મિલિગ્રામ પ્રતિ ક્યુબિક મિટર રહે છે. આ માત્રા સાવ નગણ્ય છે.
સ્માર્ટ પોલનો સાપ્તાહિક રિપોર્ટ પર એક નજર નાંખવામાં આવે તો માલૂમ પડે છે કે, દાહોદમાં હવાના પ્રદૂષણમાં PM 2.5 પ્રકારના રજકણોનું કારણ મુખ્યત્વે છે. જો કે, આપણા નાકની કુદરતી સંરચના જ આ પ્રદૂષણ સામે રક્ષણ આપે છે.