દાહોદઃ શહેરના મૂળ વતની અને ઈન્દોરમાં સ્થાયી થયેલા પરિવારના મોભીનું હાર્ટ અટેકથી ઇન્દોર મુકામે મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલ મોભીનો મૃતદેહ લઈને દફનવિધિ માટે પરિવાર દાહોદ મુકામે આવ્યો હતો, ત્યારે સરહદ તેમજ રસ્તામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારે તમામ નોર્મલ જણાયા હતા.
મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર કોરોનાવાયરસનું હોટસ્પોટ હોવાના કારણે આરોગ્ય વિભાગ દ્વારા ઇન્દોરથી આવેલા મૃતક પરિવારના તમામ સભ્યોનું કોરોના રિપોર્ટની ચકાસણી કરવામાં આવી હતી, આ રિપોર્ટમાં પરિવારના ચાર સભ્યો કોરોના નેગેટિવ હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે નવ વર્ષની મુસ્કાન કુંજડાનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું જણાયું હતું. જેની ગંભીરતાને કારણે જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા ઇન્દોર મુકામે પરત ગયેલા એમ્બ્યુલન્સના ચાલકનો કોરોના ટેસ્ટ કરાવવા માટે ઇન્દોરના વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
બાળકીને કોરોના પોઝિટિવ આવતા એક્શનમાં આવેલા આરોગ્ય વિભાગમાં પણ દોડ ધામ મચી જવા પામી હતી. પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા ઉપરોક્ત મૃતકને દફનવિધિમાં ગયેલા અને પરિવારના સંપર્કમાં આવેલા અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેઓની ટ્રાવેલ હિસ્ટ્રી પણ મેળવવામાં આવી રહી છે. તેમજ દફનવિધિમાં આવેલા દાહોદના 12 જેટલા વ્યક્તિઓની હિસ્ટ્રી મેળવી હતી અને રાત્રિ દરમિયાન તેઓને ક્વોરેન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે. દાહોદ નગરમાં કોરોનાનો કેસ નોંધાતા નગરજનોમાં ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે લોકો ઘરે જ રહે, સુરક્ષિત રહે તેવી અપીલ પણ આગેવાનો અને તંત્ર દ્વારા કરવામાં આવી છે.