દાહોદ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં છેલ્લા દોઢ વર્ષથી ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર એન.બી.વસાવાની આચાર સહિંતા અમલમાં હોવા છતાં ગીર સોમનાથ ખાતે તાત્કાલિક અસરથી બદલીનો ઓર્ડર કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર ચર્ચાનો વિષય બન્યો હતો. કાર્યપાલક ઇજનેર એન.બી.વસાવા જિલ્લામાં સેવાભાવી કર્યોને લઈને ચર્ચામાં છે. તેમજ ફરજ સાથે 3000 ગરીબ બાળકોને ભણવા માટેની વસ્તુઓ અને માં-બાપ વગરના નિરાધાર બાળકોને દત્તક લઈને તેઓનો તમામ ખર્ચ પણ ઉઠાવીને ભગીરથ કાર્ય કર્યું હતું .
સાથે કૂપોષિત બાળકો માટે પણ મોટું અભિયાન ઉપાડ્યું હતું. નિવૃત થવામાં 10 માસ બાકી હોવા થતાં સેવાભાવી અધિકારીની માર્ગ અને મકાન વિભાગના ઉપસચિવ દ્વારા 18 માર્ચે બદલી કરવામાં આવતા સામાજિક સંગઠનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ સ્ટે સામે કાર્યપાલક ઇજનેર એન.બી.વસાવાએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેમાં હાઇકોર્ટે વર્ગ-1ના અધિકારીઓની ત્રણ વર્ષ પહેલા બદલી કરી શકાઈ નહીં તેવુ કહી ઇજનેરની બદલી પર સ્ટેનો અને ફરજ પર દાહોદ ખાતે પુનઃ હાજર થવાનો પણ હુકમ કાર્યપાલક ઇજનેર આપવામાં આવ્યો હતો. આ બાબતે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સેક્રેટરી અને ડે. સેક્રેટરી પણ લેખિતમાં જાણ કરાઇ છે. આવા અધિકારીની બદલી પર રોક લાગતાં જિલ્લાના સામાજિક સંગઠનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.