દાહોદ: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યની દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી બાળકોને અપાતા શિક્ષણ તેમજ કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા થઈ હતી. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીએ આચાર્યઓને કોરોના સંક્રમણ સામે પૂરી સાવચેતી સાથે કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું.
આ સાથે વિદ્યાર્થીઓ ઘરે બેઠા પણ શિક્ષણ મેળવી શકે તે માટે જરૂરી માહિતી આપી હતી. બેઠકમાં આધાર ડાયસની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા, દરેક વિદ્યાર્થીને પાઠયપુસ્તકો મળી ગયા છે, તે સુનિશ્ચિત કરવું, વૃક્ષારોપણનો કાર્યક્રમ શાળામાં હાજર શિક્ષકોને યોજવા, વિધાર્થીઓ અને વાલીઓને સોશિયલ મીડિયાથી જાણ કરી ખેતરમાં કે, ઘરના વાડામાં વૃક્ષારોપણ કરવા જણાવવું, સામાજિક જવાબદારી વિશે વિદ્યાર્થીઓને સમજાવવું, એકમ કસોટી યોજવા બાબતે, આપત્તિ વ્યવસ્થાપન માટે તમામ શાળાઓમાં વીજળી, પંખા, પાણી, વિગેરેની વ્યવસ્થા અદ્યતન રાખવી જેવી બાબતો વિશે વિસ્તુત ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી મેડાએ જણાવ્યું કે, વાલીઓને કોરોના સંક્રમણ બાબતેની અદ્યતન માહિતી આપવી અને વિદ્યાર્થીઓ પણ આ બાબતે સરકારી માર્ગદર્શક સૂચનાઓનો ચુસ્ત અમલ કરવા જણાવવું અને સામાજિક અંતર, માસ્ક પહેરવા અને સેનિટાઇઝરના ઉપયોગ બાબતે સમજ આપવી. આ બેઠકમાં જિલ્લાના 300 થી પણ વધુ આચાર્યઓ સોશિયલ મીડિયાના માધ્યમ થકી જોડાયા હતા.