દાહોદ જિલ્લામાં આવેલ દેવગઢ બારીયા ST બસ ડેપોમાં ફરજ બજાવતા એક કર્મચારીને કોઈ કારણસર સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તે કર્મચારીને તાત્કાલીક 4 દિવસમાં ફરજ પર હાજર કરી દીધેલ. તેના બદલામાં દેવગઢ બારીયા ST ડેપોના ઈન્ચાર્જ ડેપો મેનેજર આશિષ રાજકોટીયાએ કર્મચારી પાસે અવાર નવાર લાંચની માંગણી કરી હતી. પરંતુ તે કર્મચારી લાંચ આપવા માંગતો ન હોવા છતા તેને લાંચના રૂપિયા 5000 આપવાની વાત કરી હતી.
બાદમાં કર્મચારીએ પંચમહાલ ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ઉપરોક્ત હકીકતથી પોલીસને વાકેફ કરી ST ડેપોના ઈન્ચાર્જ ડેપો મેનેજર આશિષ રાજકોટીયા વિરૂદ્ધ ફરીયાદ કરી હતી. ત્યારબાદ પંચમહાલ ACBના PI જે એમ ડામોર, આર આર દેસાઈ તથા તેમના સ્ટાફના માણસોની ટીમે ડેપો મેનેજરના સરકારી રહેણાંક મકાનમાં છટકુ ગોઠવ્યું હતુ. તેમજ તે કર્મચારીને લાંચમાં આપવા માટે પાવડરવાળી રૂપિયા 5000ની કિંમતની ચલણી નોટો આપી હતી. તે નોટો કર્મચારી પાસેથી સ્વીકારતા ઈન્ચાર્જ ડેપો મેનેજર આશિષ રાજકોટીયા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
ત્યારે પંચમહાલ ACB પોલીસે તેની ધરપકડ કરી હતી. તેમજ લાંચ રૂશ્વતનો ગુનો દાખલ કરી તેના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. પંચમહાલ ACBએ માત્ર 72 કલાકમાં જ બે જગ્યાએ છટકું ગોઠવી ત્રણ અધિકારીઓને ઝડપી પાડી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરતા જિલ્લાના લાંચીયા અધિકારીઓ, કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.