દાહોદ : દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે એક ચકચારી હત્યાનો બનાવ બન્યો છે. ગામના કટારા ફળિયામાં રહેતા વ્યક્તિએ પોતાના જ દાદાને લોખંડ સળિયા માથા અને છાતીના ભાગે મારી હત્યા કરી છે. હત્યા બાદ આરોપી ફરાર થઈ જતા દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
ચકચારી હત્યા : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર જિલ્લાના ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામના કટારા ફળિયામાં રહેતા મૃતક ગવજીભાઈ હમજીભાઈ કટારા ગત દિવસે પોતાના ઘરે હતા. તે દરમિયાન તેમના પૌત્ર આરોપી કાળાભાઈ આવ્યા હતા. તેઓએ પોતાના મૃતક દાદાને ચા પીવી છે કહી ચા બનાવવા કહ્યું હતું. પરંતુ સાંજે સમયે જમવાનો સમય થયો હોવાથી ચા બનાવવાની મૃતક દાદાએ આરોપી પૌત્ર કાળાભાઈને ના પાડી હતી. તેથી આરોપી ઉશ્કેરાઈને દાદા સાથે ગાળાગાળી કરી લડવા લાગ્યો હતો. બાદમાં આરોપી કાળાભાઈએ પોતાના ગુસ્સા પરથી કાબૂ ગુમાવતા દાદા સાથે મારામારી ઉપર ઉતરી આવ્યો હતો.
નજીવી બાબતે બન્યો બનાવ : જોકે મારામારીથી બચવા ગવજીભાઈ પાડોશમાં રહેતા રમેશભાઇના ઘરમાં જતા રહ્યા હતા. આરોપીએ રમેશના ઘરે જઈને દાદા ગવજીભાઇને લોખંડના સળિયા વડે મારવા લાગ્યો હતો. જેમાં ગવજીભાઈને માથા અને છાતીના ભાગમાં માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. બૂમાબૂમ થતા પાડોશીઓ આવી જતા આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, ગવજીભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારે સ્થાનિક લોકો તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીક દવાખાને લઈને આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું.
પોલીસ ફરીયાદ : મૃતકના પુત્ર રામાભાઈ જણાવ્યું હતું કે, પોતાના પિતાની હત્યા કરવા બદલ પોતાના પુત્ર કાળાભાઈ વિરુદ્ધ ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ફરાર આરોપી કાળાભાઇને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
ગત દિવસે ટાઢાગોળા ગામે દાદાને પૌત્રએ લોખંડ સળિયા વડે ઘાતક માર મારી ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો. મૃતકને સારવાર અર્થે 108 દ્વારા દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત ઘોષિત કર્યા હતા. બાદમાં વધુ તપાસ અર્થે કાયદેસરની કાર્યવાહી કરી હતી. હાલ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે.-- રાજદીપસિંહ ઝાલા (DSP, દાહોદ)
આક્રમક સ્વભાવ : નિષ્ણાંતોનું માનવું છે કે, આદીવાસી પ્રજા આક્રમક, ઝનૂની અને શૈક્ષણિક રીતે પછાત છે. ઘણી વખત સંબંધોમાં ગેરસમજના કારણે નાનકડી ભૂલના કારણે મોટી તિરાડો પડી જાય છે. માણસથી મુશ્કેલી સહન ન થાય એટલે તે ડિપ્રેશનમાં આવે છે. સંવાદ અને સંબંધમાં તિરાડ પડે તો ક્ષણિક ગુસ્સો વાસ્તવમાં ઘણા લાંબા સમયની માનસિક બીમારીનું કારણ બનીને ઘાતક બને છે. માટે આદિવાસી વિસ્તારના લોકોને સમયાંતરે મનોચિકિત્સક સારવાર આપવી જોઈએ.