દાહોદ : આડાસંબંધની શંકા રાખીને થયેલી હત્યાની આ ઘટના દેવગઢ બારીયા તાલુકાના ભુવાલ ગામમાં 2021માં બની હતી. જ્યાં પ્રવીણ ગોપસિંગભાઇ પટેલ નામના વ્યક્તિને શંકા હતી કે તેની પત્નિ સાથે ગામમાં રહેતા યુવક 26 વર્ષીય બુધાભાઈ મગનભાઈ પટેલનો આડો સંબંધ છે. આવા આડા સંબંધના વહેમમાં પતિએ યુવકને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા મારી મોતને ઘાટ ઉતારી દઇ હત્યા નીપજાવી હતી.
મૃતકના પિતાએ નોંધાવી હતી ફરિયાદ : આ ઘટનામાં મૃતક બુધાભાઈ પટેલના પિતા મગનભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગામમાં ચકચારી બની રહેલા આ કેસની કાર્યવાહીઓ પૂર્ણ થયાં બાદ લીમખેડા કોર્ટે આરોપી પ્રવીણ ગોપસિંગભાઇ પટેલને દોષિત ઠેરવીને તેને સજા ફટકારી હતી. આરોપીને સાત 7 વર્ષની કેદ અને 10000 રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
લીમખેડા કોર્ટ દ્વારા આરોપી પ્રવીણ ગોપસિંગભાઇ પટેલને આઈપીસી 302ની કલમ હેઠળ સજા અને દંડ ફટકારવામાં આવેલ છે. 21 5 2021ના રોજ બનેલી બુધાભાઈ મગનભાઈ પટેલની હત્યાના ગુનામાં સદર કોર્ટ દ્વારા આરોપીને સાત 7 વર્ષની કેદ અને 10000 રુપિયાનો દંડ ફટકારવામાં આવેલ છે...શૈલેષ તડવી (વકીલ)
લીમખેડા કોર્ટમાં કેસ ચાલ્યો : હત્યા કર્યા બાદ આરોપી પ્રવીણ ગોપસિંગભાઇ પટેલ ફરાર થઇ ગયો હતો. મૃતકના પિતાની ફરિયાદના આધારે કાર્યવાહી કરતાં પોલીસે બુધાભાઇ પટેલની હત્યાના આરોપી પ્રવીણ ગોપસિંગભાઇ પટેલ દેવગઢ બારીયા પોલીસે પકડી પાડી ધરપકડ કરી હતી. જે બાદ લીમખેડા કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આ કેસ ચાલી જતાં જજ એમ એ મિર્ઝાએ આરોપીને કેદ અને દંડની સજા જાહેર કરી હતી.
વિસ્તારમાં આ પ્રકારના ઘણાં કેસ : જોકે પત્ની અને અન્ય યુવક પર આડાસંબંધની શંકા કરવાની ભૂલને કારણે આરોપી પતિ પ્રવીણ આજે જેલના સળિયા પાછળ ધકેલાયો પણ ખરેખર એક પિતા કે પતિ જેલ પાછળ કે પરિવાર એ સવાલો ઉભા જ છે. સરકાર દ્વારા કરોડો ખર્ચ કરીને શિક્ષણ અને સામાજિક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. છતાં દેવગઢ બારીયા તાલુકામાં સ્થિતિ અત્યંત નબળી જોવા મળી રહી છે શંકા અને વહેમના કળણમાં બે પરિવારો બરબાદ થઈ ગયા છે.